India

ઓવરટેક કરવા જતા ટ્રક સાથે ટક્કર થઈ અને બસ પુલ પરથી નીચે પડી, 16 લોકોના મોત

ઉત્તર પ્રદેશના કાનપુરમાં મંગળવારે મોટો અકસ્માત થયો હતો. અહીં એક બસ પુલ પરથી નીચે પડી હતી, જેમાં 16 મુસાફરોનાં મોત નીપજ્યાં હતાં. કાનપુરના સાચેંડી ખાતે આ અકસ્માત થયો હતો, જ્યાં બસ લોડર સાથે ટકરાઈ હતી અને ટક્કર બાદ બસ પુલ પરથી નીચે પડી હતી.

આ અકસ્માતમાં 16 લોકોએ જીવ ગુમાવ્યો હતો જ્યારે એક ડઝનથી વધુ લોકો ઘાયલ થયા હતા જેમને હેલેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આઈજી મોહિત અગ્રવાલે ઘટના અને મૃત્યુઆંકની પુષ્ટિ કરી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અકસ્માત અંગે શોક વ્યક્ત કર્યો છે અને વરિષ્ઠ અધિકારીઓને તાત્કાલિક સહાય પ્રદાન કરવા નિર્દેશ આપ્યો છે. સીએમ યોગીએ પણ ઘાયલોને તાત્કાલિક વધુ સારી તબીબી સારવાર આપવાની સૂચના આપી છે.

આ સાથે મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને 2 લાખ રૂપિયા વળતરની પણ જાહેરાત કરવામાં આવી છે. અત્યાર સુધીની પ્રાપ્ત માહિતી અનુસાર, અકસ્માત ઓવરટેક કરવાને કારણે થયો હતો. થાના સાચેંડી નજીક બિસ્કીટ ફેક્ટરી સામે આ ઘટના બની હતી. કહેવાય છે કે આ અકસ્માત બાદ પોલીસ વાહનો અને સાચેંડી પીએચસી-સીએચસી તરફથી એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી અને તાત્કાલિક રાહત કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.

Back to top button