India

મુંબઈમાં મોડી રાત્રે 4 માળની ઈમારત પડી, 11 લોકોના મોત, 7 ઘાયલ

મુંબઈ ના મલાડ વેસ્ટના માલવાણી વિસ્તારમાં ચાર માળની ઇમારત ધરાશાયી થતાં 11 લોકોનાં મોત અને 7 લોકો ઘાયલ થયા છે. બુધવારે રાત્રે 11.10 વાગ્યે આ દુર્ઘટના ઘટી હતી.અચાનક જ આખી ઇમારત ધરાશાયી થઈ હતી. ઈમારત ધરાશાયી થતાંની સાથે જ બુમાબુમ થઇ હતી.

માહિતી મળતાની સાથે જ ફાયર બ્રિગેડ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી. નવીનતમ માહિતી અનુસાર કાટમાળ નીચે 11 લોકોનાં મોત નીપજ્યાં છે જ્યારે 7 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સાવચેતીના પગલા તરીકે બીએમસી અને પોલીસ દ્વારા ગ્રાઉન્ડ પ્લસ 3 નું એક બાજુનું મકાન પણ ખાલી કરાયું છે.

ડીસીપી ઝોન 11 મુંબઇ વિશાલ ઠાકુરે જણાવ્યું કે મહિલાઓ અને બાળકો સહિત 15 લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને તેમને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. કાટમાળની નીચે વધુ લોકો ફસાયેલા હોવાની આશંકા છે. ટીમો રાહત અને બચાવકાર્ય કરી રહી છે.

મુંબઇ અને તેની આસપાસના વિસ્તારોમાં બુધવારે લગભગ આખો દિવસ વરસાદ પડ્યો હતો. આને કારણે નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણ સુધી પાણી ભરાયા હતા. સાન્ટા ક્રુઝના પશ્ચિમ પરામાં બુધવારે સવારે 8.30 થી બપોર 2.30 કલાક દરમિયાન છ કલાકમાં 164.8 મીમી વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગે આજે પણ વરસાદની રેડ એલર્ટ જારી કરી છે.

Back to top button