Gujarat

કોરોના ની ત્રીજી લહેર માટે સરકારની તૈયારી: રાજ્યમાં 4000 બાળકો માટેના બેડ, 30000 ICU બેડ, 15000 વેન્ટીલેટર બેડ તૈયાર

કોરોનાની ત્રીજી લહેર ની ચેતવણી ને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે તેની તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. ગાંધીનગરમાં આયોજિત પત્રકાર પરિષદ દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે સરકારે બીજી લહેરમાં લોકોને પડી રહેલી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને તેની તૈયારીઓ કરી લીધી છે. તેથી હવે કોઈ દર્દીને કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડશે નહી.

મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું કે ગુજરાતમાં બીજી લહેર પર ઝડપથી કાબુ મેળવવામાં આવ્યો છે. જો કે તબીબી નિષ્ણાતો હવે ત્રીજી લહેરની સંભાવના વ્યક્ત કરી રહ્યા છે. જેથી રાજ્ય સરકાર યોજના મુજબ તૈયારીઓ પૂર્ણ કરી ચૂકી છે. રાજ્યમાં 4,000 પેડિયાટ્રિક બેડ, 30,000 આઈસીયુ અને 15,000 વેન્ટિલેટર બેડ તૈયાર છે. દર્દીઓ તેમના ઘરની નજીક સારવાર મેળવી શકે તે માટે વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે.

સંમેલનમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં અત્યાર સુધીમાં 2 કરોડથી વધુ લોકોને રસી મળી છે. 1.55 કરોડ એટલે કે રાજ્યના 33.51% લોકોને પ્રથમ ડોઝ મળ્યો છે, જ્યારે 45.45 લાખ એટલે કે 9.81% વસ્તીને બંને ડોઝ મળી ગયા છે અને રસીકરણ હજી પણ ચાલુ છે. રાજ્યમાં નવા કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં સમગ્ર ગુજરાતમાં 490 નવા કેસ અને 6 મૃત્યુ નોંધાયા છે.

નીતિન પટેલે એમ પણ કહ્યું હતું કે કોરોના દર્દીઓ માટે વપરાતા ઓક્સિજન પરનો જીએસટી 12 ટકા હતો, જે ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો છે. આવી જ રીતે વેન્ટિલેટર પરનો જીએસટી પણ 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરાયો છે. ગુજરાતમાં કોરોનાની બીજી લહેર દરમિયાન દરરોજ 700 થી 1250 મેટ્રિક ટન ઓક્સિજનનો વપરાશ કરવામાં આવતો હતો.

કોરોના દર્દીઓ માટે ઉપયોગમાં લેવાતા રેમડેસિવીર, ટોસિલીઝુમાબ અને એમ્ફોટેરેસીન-બીના ઇન્જેક્શન પર 5% જીએસટી ઘટાડવામાં આવ્યો છે. આ સિવાય બીજી ઘણી દવાઓ પરનો ટેક્સ ઘટાડવાની પણ ચર્ચા થઈ રહી છે. દવાઓની સૂચિ તૈયાર કરી જીએસટી કાઉન્સિલને આપવામાં આવી છે.

Back to top button