AhmedabadGujaratSurat

વિજય રૂપાણીની ગાડીનો વીમો, પીયુસી નથી તેવો ફેક ફોટો વાયરલ કરનારની સુરતથી ક્રાઇમબ્રાન્ચે ધરપકડ કરી

ગુજરાતમાં જ્યારથી ટ્રાફિકના નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે ત્યારથી લોકો સોશિયલ મીડિયામાં વિરુદ્ધ લખાણો લખતા  હોય છે. છેલ્લા કેટલાક દિવસોમા અનેક પોલીસકર્મીઓના ફોટો અને વિડીયો પણ વાઇરલ થયા હતા.  વિજય રૂપાણીની વાત કરીએ તો તેમની સરકારી ગાડીનો વીમો પૂરો થઈ ગયો છે અને પીયુસી પણ નથી તેવો ફોટો પણ છેલ્લા બે દિવસથી વાયરલ થયો હતો. પણ આ ફોટો વાઇરલ કરનારા એક શખ્સની સુરતથી અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારી ગાડી અંગે ખોટી માહિતી સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવી હતી. ખોટી માહિતી વાયરલ કરનારા શખ્સને શોધવા અમદાવાદ ક્રાઈમ બ્રાંચને તપાસ સોંપવામાં આવી હતી. ક્રાઈમ બ્રાંચે તપાસ કર્યા બાદ સુરતમાંથી એક વ્યક્તિની ધરપકડ કરી છે અને તેને અમદાવાદ તપાસ માટે લાવવામાં આવ્યો છે.

વાહનવ્યવહાર મંત્રી આરસી ફળદુએ આ ફેક ફોટો વિશે જણાવ્યું હતું કે સીએમની ગાડીને વીમો છે અને તે વેલિડ પીયુસી પણ ધરાવે છે. સોશિયલ મીડિાયમાં માહિતી ફરતી કરવામાં આવી છે તે તદ્દન ખોટી છે. તેમણે તપાસની પણ ખાતરી આપી હતી.

ટ્રાફિકના નિયમો અમલમાં આવ્યા છે ત્યારથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોએ પણ નવા નિયમોના આવ્યા પછી તેનો ભંગ કરતા પોલીસકર્મીઓના વિડીયો વાઇરલ કર્યા હતા અને સીએમ રુપાણીની ગાડીની ખોટી માહિતી પણ વાયરલ કરાઈ હતી.

Back to top button