BjpIndiaPoliticsWest Bengal

બંગાળમાં ચૂંટણી પરિણામ બાદ હિંસા: ભાજપના 9 કાર્યકરો ના મોત, અમિત શાહે રીપોર્ટ માંગ્યો

બંગાળમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામો બાદ રાજકીય હિંસા શરુ થઇ છે. પરિણામના દિવસે જ કોલકાતામાં ભાજપ કાર્યાલયને આગ ચાંપી દેવામાં આવી હતી. સોમવારે પાર્ટીના બે કાર્યકરોને માર માર્યાના સમાચાર મળી રહ્યા છે. ગૃહમંત્રાલયે બંગાળ સરકાર પાસે વિરોધી પક્ષના કાર્યકર્તાઓને નિશાન બનાવવાનો રીપોર્ટ માંગ્યો છે.

બીજી તરફ ભાજપના નેતા કૈલાસ વિજયવર્ગીયાએ કહ્યું – ભાજપના કાર્યકર્તાઓ પર આ હુમલો મમતા બેનર્જીના આદેશ પર કરવામાં આવી રહ્યો છે. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા આજે મંગળવારે બંગાળની મુલાકાત લેવાના છે. ભાજપના પ્રદેશ પ્રમુખ દિલીપ ઘોષે દાવો કર્યો હતો કે ચૂંટણી બાદ શરૂ થયેલી હિંસામાં 24 કલાકમાં 9 લોકોનાં મોત નીપજ્યાં હતાં. રાજ્યમાં ભયનું વાતાવરણ છે. શાસક પક્ષ હાથ બાંધીને બેઠો છે. પોલીસ મદદ કરી રહી નથી. અમે આ મુદ્દે રાજ્યપાલને મળ્યા છીએ,તેમણે કાર્યવાહીની ખાતરી આપી છે.

ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ આ હુમલોનો એક વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. આમાં વિજયની ઉજવણી કરતા કેટલાક લોકો એક ઘરમાં ઘુસીને તોડફોડ કરી રહ્યા છે. ભાજપે પશ્ચિમ બંગાળમાં તેના કાર્યકરો પરના હુમલાઓનો વિરોધ કરવાનો નિર્ણય કર્યો. પાર્ટીએ એક નિવેદનમાં કહ્યું છે કે 5 મેના રોજ પાર્ટીના કાર્યકરો આ હિંસાના વિરોધમાં ધરણા કરશે.

નોર્થ 24 પરગણા જિલ્લાના ભાટપાડામાં કેટલાક લોકો દ્વારા ભાજપ કાર્યાલય અને કેટલીક દુકાનમાં તોડફોડ કરવામાં આવી હતી. આ દરમિયાન બોમ્બ પણ ફેંકવામાં આવ્યા હતા. એક વ્યક્તિએ કહ્યું કે ટીએમસીના બદમાશોએ મારી દુકાન લૂંટી લીધી હતી. અહીં ઓછામાં ઓછા 10 બોમ્બ ફેંક્યા હતા.

Back to top button