GujaratSouth GujaratSurat

સુરત: બાળકની સંભાળ રાખનાર મહિલા(કેરટેકરે) 8 માસના બાળક સાથે અમાનવીય કૃત્ય કર્યું, બાળકને બ્રેઈન હેમરેજ થતા હાલત નાજુક

વિશ્વભરમાં હીરા ઉદ્યોગને કારણે પ્રખ્યાત એવા સુરત શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સુરતમાં કેરટેકરે એક આઠ મહિનાના બાળક સાથે એવુ ક્રૂર વર્તન કર્યું છે કે એ બાળક હાલ જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યું છે. કેરટેકરે આઠ મહિનાના બાળકને એટલી ક્રૂરતા પૂર્વક માર માર્યો કે બાળકના માથાના ભાગમાં ફ્રેક્ચર થઈ ગયું છે. પરિવારના કહેવા અનુસાર, બાળકને બ્રેઇન હેમરેજ થઇ ગયું છે. આગામી 24 કલાક બાળક માટે ખૂબ જ મહત્ત્વના છે. પરિવારે આ મામલે પોલીસ ફરિયાદ કરતા પોલીસે મહિલા કેરટેકરની અટકાયત કરી લીધી છે.

પ્રપાત માહિતી અનુસાર, સુરતના રાંદેર પાલનપુર પાટિયા પાસે આવેલા જલારામજ્યોત એપોર્ટમેન્ટમાં વસવાટ કરતા સ્પોર્ટ્સ શિક્ષક મિતેશ પટેલના આઠ મહિનાના બાળક સાથે કેરટેકરે ક્રૂરતાભર્યું વર્તન કર્યું છે. બાળકની હાલત ગંભીર હોવાથી તેને તાત્કાલિક અસરથી ખાનગી હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. બાળકની પરિસ્થિતિ અત્યંત નાજુક હોવાનું જણાઈ રહ્યું છે. બાળકના માતા-પિતા નોકરી કરે છે. જેને કારણે કેરટેકરને જોડિયા બાળકોની સંભાળ કરવા માટે રાખવામાં આવી હતી. બાળકના માતાપિતાએ જણાવ્યું કે, અમે જયારે નોકરી પર જતા રહીએ ત્યારે આ કેરટેકર બાળકોને ટોર્ચર કરતી હતી.

આ મામલે વધુ તપાસ હાથ ધરતા માલુમ પડ્યું હતું કે, મિતેશ પટેલના માતા બાજુના જ ફ્લેટમાં રહે છે. ત્યારે પોતાના પૌત્રનો રડવાનો અવાજ આવતા તેમણે તેમના પુત્ર મુકેશ પટેલને ફોન કરીને જણાવ્યું હતું કે કેરટેકર બાળકોને મારી રહી છે. ત્યારબાદ મુકેશભાઈએ ઘરમાં CCTV કેમેરા લગાવ્યા હતા. ત્યારે કેરટેકરની ક્રૂરતા આ સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે કઈ રીતે કેરટેકર એક બાળકને તમાચા મારી રહી છે. આ સિવાય કેરટેકર બાળકને પલંગ પર પટકી દે છે. કેરટેકરની આ ક્રૂરતાને કારણે બાળકને ગંભીર ઈજા પહોંચી હતી. જેને લીધે બાળકને સારવાર અર્થે હૉસ્પિટલમાં ખસેડાયો છે.

બાળકના દાદીએ જણાવ્યું હતું કે, “તેનો પુત્ર અને પુત્રવધૂ બંને જોબ કરે છે. દીકરા મુકેશને જોડકા બાળકનો જન્મ થયો હોવાથી બંને બાળકની સંભાળ માટે ચાર મહિનાથી કેરટેકરને રાખી હતી. આ મહિલા કેરટેકર મારા પુત્ર અને પુત્રવધૂ જયારે નોકરી જાય ત્યારે બાળકોને ના બોલવાના શબ્દો બોલતી અને ખોટુ ટોર્ચર કરતી હતી. આ વાતની જાણ મેં મારા પુત્ર મુકેશને કરતા તેણે ઘરમાં સીસીટીવી કેમેરા લગાવી દીધા હતા. સીસીટીવી લગાવ્યા બાદ 12 કલાકમાં જ આ ઘટના બની હતી.

આયાએ બંને બાળકોમાંથી એક બાળકને લાફા માર્યાં હતા. અને કાન પણ મરડી નાખ્યો હતો. તેમજ હાથમાં જોરથી બચકું ભરી લીધું હતું. બાદમાં તેને પલંગ પર પટક્યું હતું. આ વાતની જાણ થતા પરિવારે બાળકને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બાળકને બ્રેઈન હેમરેજ થયું હોવાનું ડોક્ટરોએ કહ્યું હતું.

તમને જણાવી દઈએ કે, ડૉક્ટરે બાળકની પરિસ્થિતિ ગંભીર હોવાનું જણાવ્યું છે. આગામી 48 કલાક બાળક માટે ખુબ જ મહત્ત્વના છે. હાલ સમગ્ર મામલે પોલીસે ફરિયાદ દાખલ કરીને મહિલા કેરટેકર કોમલ રવિ ચાંદલેકરની અટકાયત કરી લીધી છે.