Gujarat

ભાવનગરમાં બોલેરો ટ્રેલર પાછળ ઘૂસતા 7ના મોત: પુત્રના લગ્નના 4 મહિના પહેલા પિતાને કાળ ભેટ્યો

ભાવનગર-તળાજા-સોમનાથ હાઈવે પર 6 ઓક્ટોબરની સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સવારે આશરે 9:45 વાગ્યે ત્રાપજ ગામ નજીક પેટ્રોલ પંપ પાસે ઉભેલા ટ્રેલરની પાછળ પૂરપાટ ઝડપે આવતી બોલેરો ઘૂસી ગઈ હતી. સમગ્ર અકસ્માતના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.બોલેરોમાં સવાર કુલ 7 લોકોનાં મોત થયા છે. શરૂઆતમાં ઘટનાસ્થળે 6 લોકોનાં મોત થયા હતા, જ્યારે એક વ્યક્તિને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન તેમનું પણ મોત થયું હતું.

મળતી માહિતી મુજબ, બોલેરોમાં સવાર તમામ લોકો અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં નોકરીએ જઈ રહ્યા હતા. ત્રાપજ ગામ નજીક પહોંચતા જ આ અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે બોલેરોનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને ટ્રેલર પણ આગળ ધસી ગયું હતું.

ત્રાપજ ગામ પાસે RJ-31-GA-9871 નંબરનું ટ્રેલર ચા-પાણી માટે રોડની સાઈડમાં ઊભું હતું. તે દરમિયાન GJ-04-EP-2599 નંબરની બોલેરો તેની પાછળ ધડાકાભેર ઘૂસી ગઈ હતી. બોલેરો વિજયભાઈ ચંદુભાઈ વોરા ચલાવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.અકસ્માત બાદ બોલેરો સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી. વાહનમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે સ્થાનિક લોકો અને બચાવકર્મીઓએ ભારે જહેમત ઉઠાવી હતી. લોખંડના સળિયાની મદદથી બોલેરોના દરવાજા તોડીને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા.

મૃતકો અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં જૈન સમાજના આગેવાન જ્યૂભાઈ શાહના પ્લોટ નંબર 24/B, 137 અને 138 સાથે સંકળાયેલા સ્ટાફના સભ્યો હોવાનું સામે આવ્યું છે.અકસ્માતની જાણ થતાં જ ઘટનાસ્થળે લોકોનાં ટોળાં ઉમટી પડ્યાં હતાં. પોલીસ અને એમ્બ્યુલન્સની ટીમ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. અકસ્માતમાં મૃત્યુ પામેલા તમામ મૃતદેહોને આઈસર વાહનમાં ભાવનગરની સર ટી હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

મૃતદેહો હોસ્પિટલ પરિસરમાં પહોંચતાં જ પરિવારજનોના આક્રંદથી સમગ્ર વાતાવરણ ગમગીન બની ગયું હતું. પરિવારજનો પોતાના સ્વજનોને યાદ કરીને ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યા હતા.મૃતક પિયુષભાઈ બિપિનચંદ્ર શાહના પરિવારમાં એક દીકરો અને એક દીકરી છે. તેમના પુત્રના લગ્ન 16 ફેબ્રુઆરી, 2027ના રોજ યોજાવાના હતા. આ ઘટનાથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.શિપ બ્રેકિંગ યાર્ડના પ્લોટ માલિક જ્યૂભાઈ શાહના ભત્રીજા ધર્મેન્દ્રભાઈ શાહે જણાવ્યું હતું કે, “અમારા સ્ટાફના તમામ માણસો સવારે 8:30થી 8:45 વાગ્યાની આસપાસ ડ્યુટી પર જવા માટે ગાડી લઈને નીકળ્યા હતા. રસ્તામાં આ અકસ્માત સર્જાયો હતો.”

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “આ લોકો માત્ર અમારા સ્ટાફના માણસો નહોતા, પરંતુ અમારા પરિવારના સભ્યો જેવા હતા. આ ઘટનાથી અમારા પરિવારને પણ ખૂબ જ દુઃખ થયું છે. ભગવાન તેમના આત્માને શાંતિ આપે. મૃતકોના પરિવાર માટે અમારા પરિવાર તરફથી જે કંઈ શક્ય હશે તે તમામ મદદ કરવામાં આવશે.”