બહુપત્નીત્વ પર રોક લગાવવા આસામ સરકાર બનાવશે કાયદો, CM એ કહ્યું જાતિ, ધર્મ અને સંપ્રદાયને ધ્યાનમાં લીધા વિના મહિલા સશક્તિકરણ માટે બનશે કાયદો
આસામમાં બહુપત્નીત્વને સમાપ્ત કરવા માટે કાયદો ઘડવા માટે વિધાનસભાની કાયદાકીય યોગ્યતાની ખાતરી કરવા માટે રાજ્ય સરકાર દ્વારા રચવામાં આવેલી નિષ્ણાત સમિતિએ રવિવારે મુખ્યમંત્રી હેમંત બિસ્વા શર્માને પોતાનો અહેવાલ સુપરત કર્યો હતો. ત્યારે મુખ્યત્વે હેમંત બીસ્વા શર્માએ ટ્વિટર પર સમિતિ દ્વારા તેમને સોંપવામાં આવેલા અહેવાલ અને દસ્તાવેજોની તસવીરો શેર કરી છે. જો કે, આ રિપોર્ટની સામગ્રી અને ભલામણો હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.
મુખ્યમંત્રી હેમંત બીસ્વા શર્માએ જણાવ્યું હતું કે, ‘નિષ્ણાત સમિતિએ પોતાનો રિપોર્ટ આજ રોજ રાજ્ય સરકારને સોંપ્યો છે. આ નાણાકીય વર્ષમાં બહુપત્નીત્વ ને લઈને કાયદો અમલમાં આવશે. અમે તેને વાંચવા તેમજ ચર્ચા કરવા માટે તમામ ધારાસભ્યોને સમય આપવા માંગીએ છીએ. સમિતિએ તેના અહેવાલમાં જણાવ્યું છે કે, આ કાયદો બનાવવા માટે રાજ્ય સરકાર સક્ષમ છે.
મુખ્યમંત્રી વધુમાં જણાવ્યું હતું કે, “આસામ હવે જાતિ, સંપ્રદાય અથવા ધર્મને ધ્યાનમાં લીધા વિના મહિલાઓના સશક્તિકરણ માટે સકારાત્મક વાતાવરણ બનાવવાની નજીક પહોંચી ગયું છે.”
નોંધનીય છે કે, ન્યાયમૂર્તિ (નિવૃત્ત) રૂમી કુમારી ફુકનની અધ્યક્ષતામાં આસામના મુખ્યમંત્રીએ 12 મેના રોજ ચાર સભ્યોની નિષ્ણાત સમિતિની રચનાની જાહેરાત કરી હતી. ફુકન ઉપરાંત, સમિતિના બીજા સભ્યોમાં રાજ્યના એડવોકેટ જનરલ દેવજીત સૈકિયા, વરિષ્ઠ એડવોકેટ નકીબ-ઉર-ઝમાન તેમજ વરિષ્ઠ એડિશનલ એડવોકેટ જનરલ નલિન કોહલીનો સમાવેશ થાય છે. 18 જુલાઈના રોજ, આસામ સરકારે સમિતિની મુદત 1 મહિનો વધારીને 13 જુલાઈથી 12 ઓગસ્ટ સુધી કરી દીધી હતી. સમિતિને શરૂઆતમાં પોતાનો રિપોર્ટ રાજ્ય સરકારને સોંપવા માટે 60 દિવસનો સમય આપવામાં આવ્યો હતો. તેને બંધારણની કલમ 25 તેમજ મુસ્લિમ પર્સનલ લૉ (શરિયત) અધિનિયમ, 1937ની સમાન નાગરિક સંહિતા માટેની રાજ્ય નીતિના નિર્દેશક સિદ્ધાંતોને લગતી જોગવાઈ ઓની તપાસ કરવા માટેનું કામ સોંપવામાં આવ્યું હતું.