
ગુજરાતના જૂનાગઢ સહિત અનેક જિલ્લાઓમાં લગ્નની ઈચ્છા ધરાવતા અપરણિત અને છૂટાછેડા લીધેલા યુવકોને નિશાન બનાવતી એક આંતરરાજ્ય લૂંટેરી દુલ્હન ગેંગ સક્રિય હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. લગ્નના નામે લાખો રૂપિયાની છેતરપિંડી કરતી આ ટોળકીમાં મહિલાઓ સાથે દલાલો અને નકલી પરિવારજનો પણ સામેલ હોવાનું પીડિતોનો દાવો છે.
મળતી માહિતી મુજબ, દલાલો દ્વારા ગુજરાત તેમજ અન્ય રાજ્યોની યુવતીઓ સાથે યુવકોના લગ્ન કરાવવામાં આવે છે. લગ્ન પહેલાં યુવકો પાસેથી મોટી રકમ વસૂલવામાં આવે છે, પરંતુ લગ્નના થોડા સમય બાદ યુવતી કોઈ બહાનું બનાવીને સાસરું છોડીને જતી રહે છે અથવા પરિવાર સાથે ઝઘડા કરી કાયમ માટે માવતરે જતી રહે છે. અનેક પીડિતોએ પોલીસ સમક્ષ રજૂઆતો કરી હોવા છતાં યોગ્ય કાર્યવાહી ન થતાં હવે ડીજીપી અને મુખ્યમંત્રી સમક્ષ લેખિત ફરિયાદ કરીને માનવ તસ્કરી સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવાની માંગ કરવામાં આવી છે.
આ ગેંગના દલાલો લગ્ન ઇચ્છુક યુવકોનો સંપર્ક કરી તેમને યુવતી બતાવે છે. યુવતી પસંદ પડતા જ ટોકન તરીકે મોટી રકમ લેવામાં આવે છે. ત્યારબાદ લગ્ન કરાવવાના બહાને ₹50 હજારથી લઈને ₹1.50 લાખ કે તેથી વધુ રકમ વસૂલવામાં આવે છે. શંકા ન જાય તે માટે લગ્ન મોટાભાગે મંદિરમાં અથવા કોર્ટમાં સાદાઈથી કરાવવામાં આવે છે.
લગ્ન બાદ યુવતી શરૂઆતના થોડા દિવસો સુધી સારી રીતે રહે છે, પરંતુ પછી અગાઉથી ઘડાયેલા પ્લાન મુજબ કોઈ બહાનું કાઢીને માવતરે જતી રહે છે. ત્યારબાદ તે પરત આવવામાં આનાકાની કરે છે. જો દબાણમાં આવીને પાછી આવે તો પણ થોડા દિવસોમાં ફરીથી ઝઘડો કરીને ઘર છોડીને જતી રહે છે.
પીડિતોના જણાવ્યા પ્રમાણે, યુવતી બતાવતી વખતે માતા-પિતા તરીકે જે લોકો હાજર હોય છે, તેઓ પછી બદલાઈ જાય છે. સમગ્ર ગેંગ નકલી સગાં-સંબંધીઓ બનીને વિશ્વાસ જીતવાનો પ્રયાસ કરે છે. જો યુવતીને ઘરે મોકલવાની તક ન મળે તો તે પરિવાર પર માનસિક અથવા શારીરિક ત્રાસના આક્ષેપો કરી ઘરમાં કકળાટ ઉભો કરે છે.યુવતી એકવાર પોતાના સ્થાને પહોંચી જાય પછી પરત આવવાનો ઇનકાર કરી દે છે. ત્યારે યુવકોને સમજાય છે કે તેમની સાથે લગ્નના નામે છેતરપિંડી થઈ છે. જોકે, પોલીસ ફરિયાદો છતાં તાત્કાલિક ગુનો નોંધાતો ન હોવાથી પીડિતો ન્યાય માટે ભટકી રહ્યા છે.
માળિયા હાટીના તાલુકાના પિખોર ગામના ખેડૂત પ્રદીપભાઈએ જણાવ્યું કે લગ્ન માટે પ્રયત્નો દરમિયાન તેમનો સંપર્ક માંગરોળના સુનિલ ડાકી સાથે થયો હતો. સુનિલ તેમને યુવતી બતાવવાના બહાને સુરત લઈ ગયો હતો, જ્યાં જાગૃતિ મિસ્ત્રી નામની યુવતી સાથે મુલાકાત કરાવવામાં આવી હતી. ત્યાં મનુભાઈ સાધુ અને અન્ય લોકો યુવતીના સગા તરીકે હાજર હતા.
યુવતી પસંદ પડતાં દલાલે ટોકન તરીકે રૂપિયા માંગ્યા હતા. પ્રદીપભાઈએ પહેલા ઓનલાઈન ₹30 હજાર ટ્રાન્સફર કર્યા અને બાદમાં સુરત જઈ ₹1.50 લાખ રોકડા આપ્યા હતા. આ લેવડદેવડના વીડિયો પુરાવા પણ તેમની પાસે હોવાનું તેમણે જણાવ્યું છે.પછીથી સતત હેરાનગતિ અને શંકાસ્પદ વર્તનથી કંટાળી પ્રદીપભાઈ યુવતીને લઈને સુરત પહોંચ્યા અને પોતાના રૂપિયા પરત માંગ્યા હતા. આ દરમિયાન ગેંગના સભ્યો સાથે ભારે બોલાચાલી અને ઝઘડો થયો હતો. પ્રદીપભાઈના જણાવ્યા મુજબ તેમની સાથે કુલ ₹1.80 લાખની છેતરપિંડી થઈ છે, જ્યારે કાયદાકીય પ્રક્રિયામાં પણ ₹10 હજારનો ખર્ચ થયો છે. તેમણે માંગ કરી છે કે તેમના પૈસા પરત અપાય અને લગ્નના નામે કરાયેલ આ કરારને કાયદેસર રીતે રદ કરવામાં આવે.