PM મોદીને પ્રશ્ન પૂછીને ચર્ચામાં આવેલી નોર્વેની રિપોર્ટરનો ખુલાસો
Narendra Modiના Norway પ્રવાસ દરમિયાન નોર્વેના પત્રકાર Hel Linge ભારે વિવાદોમાં સપડાયા છે. PM મોદી અને નોર્વેના વડાપ્રધાનની સંયુક્ત મીડિયા બ્રીફિંગ બાદ હેલ લિંગેએ પ્રેસ સ્વતંત્રતા મુદ્દે સવાલ પૂછ્યો હતો. ત્યારબાદ સોશિયલ મીડિયા પર તેમને ભારે ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો, જેમાં કેટલાક લોકોએ તેમને “વિદેશી એજન્ટ” અને “જાસૂસ” સુધી કહી દીધા હતા.
વધતા વિવાદ વચ્ચે હેલ લિંગેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર સ્પષ્ટતા આપતા જણાવ્યું કે, તેઓ કોઈ વિદેશી જાસૂસ નથી અને ન તો કોઈ સરકાર માટે કામ કરે છે. તેમણે લખ્યું કે, “હું માત્ર મારું પત્રકારત્વનું કામ કરી રહી છું.”
Dagsavisen સાથે જોડાયેલા હેલ લિંગેએ ઓસ્લોમાં યોજાયેલી સંયુક્ત મીડિયા બ્રીફિંગ દરમિયાન PM મોદીને પ્રેસ સ્વતંત્રતા મુદ્દે સવાલ પૂછ્યો હતો. તેમણે વડાપ્રધાનના બહાર નીકળતા સમયે ટિપ્પણી કરી હતી કે વિશ્વની સૌથી સ્વતંત્ર પ્રેસમાંથી સવાલ લેવામાં આવ્યા નથી.આ ઘટનાક્રમ બાદ Embassy of India in Norway દ્વારા આયોજિત એક વિશેષ મીડિયા બ્રીફિંગમાં પણ હેલ લિંગે હાજર રહ્યા હતા. અહીં તેમણે ભારતની વિશ્વસનીયતા અને માનવાધિકારના મુદ્દાઓને લઈને સીધા પ્રશ્નો પૂછ્યા હતા.
આ દરમિયાન Sibi Georgeએ ભારતીય સંસ્કૃતિ, યોગ અને કોરોના વેક્સિન કૂટનીતિનો ઉલ્લેખ કરીને વિગતવાર જવાબ આપ્યો હતો. ચર્ચા દરમિયાન બંને વચ્ચે તણાવપૂર્ણ માહોલ સર્જાયો હતો. જ્યારે હેલ લિંગેએ વચ્ચે બોલવાનો પ્રયાસ કર્યો ત્યારે સિબી જ્યોર્જે તેમને રોકતા પલટવાર કર્યો હતો. થોડા સમય માટે લિંગે ગુસ્સે થઈ રૂમમાંથી બહાર પણ નીકળી ગયા હતા, જોકે બાદમાં તેઓ ફરી પાછા આવ્યા હતા. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
કેટલાક યુઝર્સે હેલ લિંગેના સવાલને યોગ્ય ગણાવ્યો હતો, જ્યારે અન્ય લોકોએ તેમને “પ્લાન્ટેડ પત્રકાર” કહીને ટીકા કરી હતી. PM મોદીના સમર્થકોએ સ્પષ્ટ કર્યું કે આ કાર્યક્રમ કોઈ ઔપચારિક પ્રેસ કોન્ફરન્સ નહોતો, પરંતુ સંયુક્ત મીડિયા બ્રીફિંગ હતી.આ વિવાદ વચ્ચે હેલ લિંગેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પણ ચર્ચા શરૂ થઈ હતી. લોકોનું ધ્યાન ગયું કે ઘટનાના થોડા દિવસો પહેલા જ તેમનું X એકાઉન્ટ વેરિફાઈ થયું હતું અને તે પહેલાં તેઓ આ પ્લેટફોર્મ પર ખાસ સક્રિય નહોતા.
મક રેક પ્રોફાઇલ અનુસાર, હેલ લિંગે Dagsavisen નામના નાના અખબારમાં કોમેન્ટેટર તરીકે કાર્યરત છે, જેનું સર્ક્યુલેશન આશરે 14 હજાર કોપીથી ઓછું હોવાનું કહેવાય છે. આ ઘટનાથી પહેલા તેમના X એકાઉન્ટ પર અંદાજે 800 જેટલા ફોલોઅર્સ હતા, જે હવે વધીને 17 હજારથી વધુ થઈ ગયા છે. તેઓ TikTok અને Instagram પર વધુ સક્રિય હોવાનું પણ સામે આવ્યું છે.
હેલ લિંગેએ પોતાના જૂના લેખોમાં Donald Trump અને અમેરિકી પ્રશાસનની ટીકા કરી હતી. સાથે જ Elon Musk અંગે પણ આલોચનાત્મક લેખ લખ્યા હતા. બીજી તરફ, કેટલાક લેખોમાં તેમણે Xi Jinping અને Chinaની નીતિઓની પ્રશંસા કરી હોવાનું પણ ચર્ચામાં આવ્યું છે.