×
GujaratJunagadhSaurashtra

સરકારી હોસ્પિટલની મહિલા કર્મચારીએ રાજીનામું આપીને જીવન ટુંકાવ્યું

જૂનાગઢમાં એક દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતી એક મહિલા કર્મચારીએ આત્મહત્યા કરી લેતા પરિવાર તેમજ હોસ્પિટલ સ્ટાફમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. મહત્વની બાબત એ છે કે મહિલાએ આજે સવારે જ પોતાની સરકારી નોકરીમાંથી રાજીનામું આપ્યું હતું અને ત્યારબાદ ઘરે આવી આ અંતિમ પગલું ભર્યું હતું.

મળતી માહિતી મુજબ, જૂનાગઢના મધુરમ વિસ્તાર પાસે મંગલધામ-1માં રહેતી સુધાબેન વિજયભાઈ સોલંકી સિવિલ હોસ્પિટલમાં પટાવાળા તરીકે ફરજ બજાવતા હતા. આજે સવારે તેઓ નિયમિત રીતે ડ્યૂટી પર ગયા હતા અને ત્યાં રાજીનામું આપવાની પ્રક્રિયા પૂર્ણ કરી હતી. બાદમાં ઘરે પરત ફર્યા પછી તેમણે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો એકત્રિત થઈ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. સી-ડિવિઝન પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને નીચે ઉતારી પંચનામું કરી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો.

સરકારી નોકરીમાંથી અચાનક રાજીનામું આપ્યા બાદ તરત જ આત્મહત્યા કરવાના બનાવે અનેક સવાલો ઉભા કર્યા છે. મહિલાએ આ પગલું વ્યક્તિગત કારણોસર ભર્યું કે કોઈ દબાણ હેઠળ આવી નિર્ણય લીધો, તે અંગે પોલીસે વિવિધ દિશામાં તપાસ શરૂ કરી છે. હાલ આત્મહત્યાનું ચોક્કસ કારણ સ્પષ્ટ નથી, પરંતુ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.