હોર્મુઝમાં ભારત આવી રહેલા જહાજ પર IRGCનો હુમલો, કબજે કરીને ઈરાન લઈ ગયા
ઈરાન (IRGC) દ્વારા બે જહાજો પર હુમલો કરીને તેમને કબજે કરવાની ઘટના સામે આવી છે. કબજે કરાયેલા આ બંને જહાજોને ઈરાન તરફ લઈ જવામાં આવી રહ્યા છે, જેમાંથી એક જહાજ ભારત તરફ જઈ રહ્યું હતું.ઈરાનના સરકારી મીડિયાના અહેવાલ મુજબ, જહાજોની ઓળખ MSC Francesca અને Epaminondas તરીકે થઈ છે. MSC Francesca પનામાનો ધ્વજ હતો, જ્યારે Epaminondas પર લાઈબેરીયન ધ્વજ હતો.
શિપ ટ્રેકિંગ માહિતી મુજબ, Epaminondas નામનું જહાજ ગુજરાતના Mundra Port તરફ જઈ રહ્યું હતું. દુબઈથી ભારત આવતી વખતે આ જહાજ પર IRGC દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. ભારતીય બંદર તરફ જતા જહાજને કબજે કરવામાં આવતા દરિયાઈ સુરક્ષા અને સપ્લાય ચેઈનને લઈને ચિંતા વધી છે.
ઈરાની નૌકાદળે જણાવ્યું છે કે બંને જહાજો જરૂરી મંજૂરી વિના સંચાલિત થઈ રહ્યા હતા અને તેમણે નેવિગેશન સિસ્ટમમાં ફેરફાર કરીને દરિયાઈ સુરક્ષા માટે જોખમ ઉભું કર્યું હતું. આ કારણે IRGC નૌકાદળે તેમને કબજે કરીને ઈરાની કિનારે લઈ જવામાં આવ્યા છે. હાલ બંને જહાજો ઈરાનના પ્રાદેશિક જળ વિસ્તારમાં છે, જ્યાં તેમના કાર્ગો અને દસ્તાવેજોની તપાસ ચાલી રહી છે.
આ ઘટનાની વચ્ચે IRGCએ પશ્ચિમ એશિયામાં અમેરિકન તેલ હિતોને નિશાન બનાવવાની ચેતવણી પણ આપી છે. ઈરાને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જો તેના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલો થશે, તો તે અમેરિકન માલિકીની તેલ કંપનીઓ અને કૂવાઓ પર સીધી કાર્યવાહી કરશે.
આ પહેલાં પણ Strait of Hormuz નજીક ત્રણ કાર્ગો જહાજો પર ગોળીબારની ઘટના સામે આવી હતી. અહેવાલો મુજબ, IRGC સાથે જોડાયેલી ગનબોટ્સે કોઈ પૂર્વ ચેતવણી કે રેડિયો સંદેશાવ્યવહાર વિના સીધો હુમલો કર્યો હતો, જેના કારણે દરિયાઈ માર્ગોની સુરક્ષા અંગે વૈશ્વિક સ્તરે ચિંતા વધતી જાય છે.