
વડોદરાથી એક વિચિત્ર ઘટના સામે આવી છે. વડોદરામાં વર્ષ 2007 માં ત્રણ મહિનામાં ડબલ રૂપિયાની લાલચ આપી 1500 જેટલા લોકો ના 10 કરોડ રૂપિયા ચાઉં કરી તાન્ઝાનિયા નાસી ગયેલા આરોપીની ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા મુંબઈ એરપોર્ટથી ઝડપી પાડવામાં આવ્યો છે.
વડોદરાના ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ આરોપીને પકડી પાડવામાં આવ્યો છે. વડોદરામાં વર્ષ 2005 માં કલરવ વિનોદભાઇ પટેલે અલકાપુરીના આર. સી. દત્ત રોડ પર આવેલ પ્રિમીયર ચેમ્બર્સમાં વાઇઝ એડવાઇઝ નામની ફાયનાન્સ કંપની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં ત્રણ મહિનામા રૂપિયા ડબલ કરવાની સ્કીમ બનાવી લોકોને લાખો રૂપિયાની રકમનું મૂડીરોકાણ કરાવવામાં આવ્યું હતું અને તે રૂપિયા પરત પણ કરવામાં આવ્યા હતા.
ત્યાર બાદ કલરવ પટેલ દ્વારા જુલાઇ 2006 માં કંપનીનું નામ બદલી સ્માર્ટ કેશ ઇન્વેસ્ટમેન્ટ સોલ્યુશન કરી ઓક્ટોબર 2006 માં દિવાળી સ્પેશ્યલ નામની નવી સ્કીમ મુકી ત્રણ મહિનામાં રૂપિયા ડબલ સિવાય 25 ટકા બોનસ આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. તેમજ રીકરીંગ સ્કીમ, પેન્શન પ્લાન, વિન્ટર પ્લાન સ્કીમમાં નાણા રોકાણ કરનારને ત્રણ ગણા નાણા આપવાની સ્કીમ બનાવી તે સ્કીમમાં 1500 જેટલા લોકો પાસેથી અંદાજીત 10 કરોડ જેટલી રકમ એકત્ર કરી તે નાસી ગયો હતો.
એવામાં આરોપી કલરવ પટેલ દ્વારા લોકોને રૂપિયા પરત આપવા ન પડે તે માટે 17 જાન્યુઆરી 2007 ના રોજ રોકાણકારોને મેસેજ કર્યો કે, પોલીસ દ્વારા મને પૈસા સાથે પકડવામાં આવ્યો છે. તે મને દિલ્હી લઇ જઈ રહ્યા છે. મેટર ઘણી સિરિયસ છે. તમામ કાળજી રાખજો. આવો SMS મોકલી કલરવ પટેલ વડોદરા છોડી નાસી ગયો હતો. આ બાબતમાં કલરવ પટેલ સામે વર્ષ 2007 માં ક્રાઇમ બ્રાન્ચમાં છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
વડોદરા ક્રાઇમ બ્રાન્ચમાં કલરવ પટેલ સામે ફરિયાદ દાખલ કર્યા બાદ તેની સામે રેડ કોર્નર નોટિસ તેમજ લુક આઉટ નોટિસ જારી કરાય હતી. તેમજ તેની તપાસ ચાલુ રાખવામાં આવી હતી. આ દરમિયાન આરોપી કલરવ પટેલ તાન્ઝાનીયા દેશમાં રહેતો હોવાની જાણકારી મળી હતી. તેના લીધે ભારત પરત લાવવા માટે વડોદરા પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ દરમિયાન કલરવ પટેલ તાન્ઝાનીયાથી વિમાનમાં ભારત આવવા માટે રવાના થયો હોવાની જાણકારી મળતા આજે વહેલી સવારના વડોદરા ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ મુંબઇ એરપોર્ટ પહોંચી ગયા હતા. તેની સાથે મુંબઇ એરપોર્ટ ઓથોરિટીના ઇમીગ્રેશનના અધિકારીઓ સાથે સતત સંપર્ક પણ કરવામાં આવ્યો હતો.
તેની સાથે કલરવ પટેલ મુંબઇ એરપોર્ટ પર ઉતરતા જ ઇમીગ્રેશનના અધિકારીઓની મદદ લઇ તેને ઝડપી પાડવામાં આવ્યો હતો. અને આ રીતે છેલ્લા 15 વર્ષથી ત્રણ મહિનામાં રૂપિયા ડબલ કરવાની લાલચ આપી અનેક વડોદરાવાસીઓને છેતરી નાસી ગયેલ કલરવ પટેલને ઝડપી પાડવામાં આવ્યો હતો.
વડોદરા ક્રાઇમ બ્રાન્ચ આરોપી કલરવ પટેલને વડોદરા લાવવામાં આવ્યો છે અને તેનો કોરોના રિપોર્ટ કરી આ ગુના અંગે વધુ પૂછપરછ માટે કાર્યવાહી હાથ ધરાશે. કલરવ તાન્ઝાનિયા કેવી રીતે પહોંચ્યો, કોણે તેની મદદ કરી, ત્યાં આટલો વર્ષો શું કર્યું સહિતની વિગતો આગામી દિવસોમાં સામે આવશે.