કોરોનાની ઝડપ ફરી એકવાર વધવા લાગી છે. ચેપનું પ્રમાણ ઝડપથી વધી રહ્યું છે. આ સાથે સક્રિય દર્દીઓની સંખ્યા પણ ઝડપથી વધવા લાગી છે.સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોનાના 1,805 નવા કેસ નોંધાયા છે. 24 કલાકમાં સકારાત્મકતા દર 3.19 ટકા હતો. આ દરમિયાન 6 દર્દીઓના મોત પણ થયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 4.47 કરોડથી વધુ કેસ નોંધાયા છે. સક્રિય કેસોની સંખ્યા પણ વધીને 10,300 થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં 24 કલાકમાં કોરોનાના 397 કેસ નોંધાયા છે. ગુજરાત બીજા નંબર પર છે જ્યાં 303 કેસ સામે આવ્યા છે. તે પછી કેરળ છે જ્યાં 299 નવા સંક્રમિત મળી આવ્યા છે.
આ સિવાય કર્ણાટકમાં 209 અને રાજધાની દિલ્હીમાં 153 નવા કેસ નોંધાયા છે. કેરળમાં છેલ્લા 24 કલાકમાં 2 લોકોના મોત થયા છે. જ્યારે ઉત્તર પ્રદેશ, ગુજરાત, હિમાચલ પ્રદેશ અને ચંદીગઢમાં એક-એક દર્દીનું મોત થયું છે.રવિવારે ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરીમાં 38 કેસ નોંધાયા છે. જેમાંથી 37 કેસ એક જ શાળામાંથી મળી આવ્યા છે. મિતૌલીની કસ્તુરબા સ્કૂલમાં 37 વિદ્યાર્થીનીઓ અને સ્ટાફના સભ્યો સંક્રમિત જોવા મળ્યા છે. આ સાથે જિલ્લામાં સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 41 થઈ ગઈ છે.
કોરોનાના વધતા જતા કેસો વચ્ચે રવિવારે રાજધાની દિલ્હીની સરકારી હોસ્પિટલોમાં મોકડ્રીલ કરવામાં આવી હતી. લોકનાયક જયપ્રકાશ નારાયણ હોસ્પિટલ, સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર હોસ્પિટલ અને સંજય ગાંધી મેમોરિયલ હોસ્પિટલમાં મોક ડ્રીલ યોજાઈ હતી.રવિવારે દિલ્હીની LLJP હોસ્પિટલમાં બે કલાકની મોક ડ્રીલ થઈ હતી. અધિકારીઓએ જણાવ્યું કે આમાં તપાસ કરવામાં આવી હતી કે જો કોઈ દર્દીને હોસ્પિટલમાં લાવવામાં આવે છે, તો તેને રૂમમાં લઈ જવા માટે કેટલો સમય લાગી શકે છે.