AhmedabadGujarat

અંતિમ સમયે બદલાયું અમદાવાદમાં યોજાનાર બાબા બાગેશ્વરના દિવ્ય દરબારનું સ્થળ, પોલીસ અને આયોજકો આવ્યા સામસામે

બાગેશ્વર બાબા હાલ ગુજરાત આવીને અલગ અલગ શહેરોમાં તેમનો દિવ્ય દરબાર યોજી રહ્યા છે. સુરત શહેરમાં દિવ્ય દરબાર કર્યા બાદ હવે તેઓ 28 મે રવિવારના રોજ અમદાવાદ આવી રહ્યા છે. જ્યાં 29 અને 30 મેના રોજ તેમનો દિવ્ય દરબાર ભરાવવાનો છે. ત્યારે ધીરેન્દ્ર શાસ્ત્રીના અમદાવાદમાં યોજનાર દિવ્ય દરબારનું સ્થળ તાત્કાલિક અસરથી બદલવામાં આવ્યું હોવાના સમાચાર સામે આવ્યા છે. પહેલા ચાણક્યપુરી વિસ્તારમાં દિવ્ય દરબારનું આયોજન રાખવામાં આવ્યું હતું, પરંતુ હવે ઓગણજ વિસ્તારમાં બાગેશ્વર બાબાનો દિવ્ય દરબાર યોજાશે.

ઉલ્લેખનીય છે કે, ધીરેન્દ્ર શાસ્ત્રીના અમદાવાદમાં યોજાનાર દિવ્ય દરબારને પગલે વિવાદ સર્જાયો હતો. પોલીસ અને ચાણક્યપુરીના આયોજકો સામ-સામે આવી ગયા છે. પોલીસે અંતિમ સમયે વ્યવસ્થાને લઈને સવાલ ઉઠાવ્યા હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે, બાગેશ્વર બાબાના દિવ્ય દરબારનું સ્થળ છેલ્લા સમયે બદલવા માટે પોલીસ દબાણ કરી રહી હતી. જોકે, આયોજકો પહેલેથી નક્કી થયેલા સ્થળ પર જ બાબા બાગેશ્વરનો કાર્યક્રમ કરવા માટે મક્કમ હતા. કાર્યક્રમની મંજૂરી મેળવવા માટે થઈને આયોજકો રાજકીય નેતાઓ પાસે પહોંચી ગયા હતા. પરંતુ બાબાના કાર્યક્રમમાં અંતિમ સમયે ફેરફાર કરવામાં આવ્યો છે.

તમને જણાવી દઈએ કે, દિવ્ય દરબારમાં ભક્તોની બેસ્કેની વ્યવસ્થાને ધ્યાને લઈને અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં ડોમ તૈયાર કરવામાં આવ્યો હતો. આયોજકોએ બાબા બાગેશ્વરના દિવ્ય દરબારના પાસ વિતરણ પણ કર્યા છે. જગ્યાની ક્ષમતા અનુસાર લોકોને પ્રવેશ આપવામાં આવશે તેવી પણ પહેલા ચર્ચા થઈ હતી. જે લોકો પાસે પાસ હશે તે લોકોને જ દિવ્ય દરબારમાં પ્રવેશ આપવામાં આવનાર હતો. પરંતુ અંતિમ સમયે બાબા બાગેશ્વરના દિવ્ય દરબારનું સ્થળ બદલી દેવામાં આવ્યું છે.