
કેન્દ્ર સરકાર પેપર લીક સામે વધુ કડક કાર્યવાહી કરવા માટે **પબ્લિક એક્ઝામિનેશન્સ (પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ) એક્ટ, 2024**માં મહત્વના સુધારા કરવાની તૈયારીમાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આશ્વાસન બાદ સરકાર સોમવારે લોકસભામાં સુધારિત બિલ રજૂ કરી શકે છે. નવા બિલમાં પેપર લીકના આરોપીઓ સામે વધુ કડક સજા, ઝડપી તપાસ અને સમયબદ્ધ ટ્રાયલની જોગવાઈ કરવામાં આવી છે.
પ્રસ્તાવિત સુધારા મુજબ, પેપર લીક સાથે જોડાયેલા સંગઠિત ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને ઓછામાં ઓછી 7 વર્ષ અને વધુમાં વધુ 10 વર્ષની જેલની સજા થઈ શકશે. ઉપરાંત, આવા કેસોમાં ₹10 કરોડ સુધીનો દંડ પણ ફટકારી શકાશે. કેન્દ્રીય કર્મચારી અને તાલીમ વિભાગના મંત્રી જિતેન્દ્ર સિંહ સોમવારે આ બિલ લોકસભામાં રજૂ કરશે.બિલમાં નવી કલમ 12A અને 12B ઉમેરવાનો પ્રસ્તાવ છે. તેના હેઠળ કેન્દ્ર સરકાર જરૂરિયાત મુજબ સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF)ની રચના કરી શકશે. ઉપરાંત, જો કોઈ કેસ કેન્દ્રીય તપાસ એજન્સી અથવા વિશેષ તપાસ ટીમ (SIT)ને સોંપવામાં આવશે તો તેને બે મહિનાની અંદર તપાસ પૂર્ણ કરવી ફરજિયાત રહેશે.
સુધારિત બિલ મુજબ પેપર લીકના કેસોની સુનાવણી માટે વિશેષ ફાસ્ટ-ટ્રેક કોર્ટની રચના કરવામાં આવશે. રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશો હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશની સલાહથી આવી કોર્ટોની નિમણૂક કરશે. ચાર્જશીટ દાખલ થયા બાદ ત્રણ મહિનાની અંદર કેસનો ટ્રાયલ પૂર્ણ કરવાનો પ્રયાસ કરવામાં આવશે અને સુનાવણી રોજબરોજના ધોરણે હાથ ધરાશે.
બિલમાં અપીલ પ્રક્રિયાને પણ સમયબદ્ધ બનાવવાનો પ્રસ્તાવ છે. સ્પેશિયલ ફાસ્ટ-ટ્રેક કોર્ટના ચુકાદા સામે હાઈકોર્ટમાં અપીલ કરી શકાશે, જેની સુનાવણી બે ન્યાયાધીશોની બેન્ચ કરશે. આવી અપીલનો શક્ય હોય ત્યાં સુધી ત્રણ મહિનાની અંદર નિકાલ કરવાનો પ્રયાસ કરવામાં આવશે. ચુકાદા બાદ 30 દિવસની અંદર અપીલ કરવી પડશે, જ્યારે વિશેષ સંજોગોમાં આ સમયમર્યાદા વધારીને 90 દિવસ સુધી કરી શકાશે.
23 જુલાઈની મધરાત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કરાયેલા લગભગ 2.5 મિનિટના વીડિયો સંદેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે પેપર લીક કોઈ સામાન્ય ઘટના નથી, પરંતુ લાખો વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો માટે અત્યંત પીડાદાયક બાબત છે.તેમણે કહ્યું કે છેલ્લા અઢી મહિનામાં સરકાર દ્વારા અનેક કડક પગલાં લેવામાં આવ્યા છે, આરોપીઓની ધરપકડ કરીને તેમને જેલમાં મોકલવામાં આવ્યા છે અને વિદ્યાર્થીઓનું એક વર્ષ બગડે નહીં તે માટે ટૂંકા સમયમાં 22 લાખ વિદ્યાર્થીઓની પરીક્ષા ફરી યોજાઈ હતી. 19 જુલાઈએ તેના પરિણામો પણ જાહેર કરવામાં આવ્યા હતા.
વડાપ્રધાને વધુમાં જણાવ્યું કે સરકાર માત્ર આટલાથી સંતોષ માનવાની નથી અને પેપર લીકના કેસોના ઝડપી નિકાલ માટે ફાસ્ટ-ટ્રેક કોર્ટ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે આ સમગ્ર કાર્યવાહી 3 મેના રોજ થયેલા NEET-UG પેપર લીક કેસના અનુસંધાનમાં કરવામાં આવી રહી છે.
પબ્લિક એક્ઝામિનેશન્સ (પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ) એક્ટ, 2024 દેશનો પ્રથમ કેન્દ્રીય એન્ટી-પેપર લીક કાયદો છે. તેને 12 ફેબ્રુઆરી, 2024ના રોજ રાષ્ટ્રપતિની મંજૂરી મળી હતી અને 21 જૂન, 2024થી સમગ્ર દેશમાં અમલમાં આવ્યો છે. તેનો મુખ્ય હેતુ પ્રવેશ પરીક્ષાઓમાં પેપર લીક, નકલ અને અન્ય ગેરરીતિઓ પર અસરકારક નિયંત્રણ લાવવાનો છે.
હાલના કાયદા મુજબ પેપર લીક કરનારાઓને 3થી 5 વર્ષની જેલ અને ₹10 લાખ સુધીના દંડની જોગવાઈ છે. જો સંગઠિત ગેંગ સંડોવાયેલી હોય તો 5થી 10 વર્ષની જેલ અને ₹1 કરોડ સુધીનો દંડ થઈ શકે છે.જો પરીક્ષા આયોજિત કરતી સંસ્થા પેપર લીકમાં દોષિત સાબિત થાય તો તેના પર ₹1 કરોડનો દંડ, પરીક્ષાનો સમગ્ર ખર્ચ વસૂલ કરવાની કાર્યવાહી અને આગામી ચાર વર્ષ સુધી કોઈ જાહેર પરીક્ષા યોજવા પર પ્રતિબંધ જેવી સજાની જોગવાઈ છે.
આ કાયદા હેઠળ નોંધાયેલા ગુનાઓ બિનજામીનપાત્ર છે અને આવા કેસોમાં સમાધાનનો વિકલ્પ ઉપલબ્ધ નથી. ઉપરાંત, તપાસની જવાબદારી ડીએસપી અથવા તેનાથી ઉચ્ચ કક્ષાના અધિકારીને સોંપવાની જોગવાઈ કરવામાં આવી છે.