અંબાલાલની મોટી આગાહી, આ તારીખથી પ્રિ-મોન્સૂન વરસાદનું પૂર્વાનુમાન
ગુજરાતમાં ઉનાળાની શરૂઆત સાથે જ હવામાનમાં સતત ફેરફારો જોવા મળી રહ્યા છે. એક પછી એક આવતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જ્યાં હીટવેવ શરૂ થાય છે, ત્યાં જ કમોસમી વરસાદ તૂટી પડતા ખેડૂતોમાં ચિંતા વધી છે. આવી સ્થિતિમાં હવામાન નિષ્ણાંત દ્વારા આગામી દિવસોમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, હાલ રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધ્યો છે અને હીટવેવનો માહોલ છે. આગામી 20 એપ્રિલ સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન 40 થી 42 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહી શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં ગરમી સાથે ભેજ વધતા બફારો વધુ અસહ્ય બનવાની શક્યતા છે.
ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં સક્રિય થતા પશ્ચિમી વિક્ષેપની અસર ગુજરાત પર પણ જોવા મળશે. તેના પરિણામે 20 એપ્રિલ બાદ ઉત્તર ગુજરાતના અરવલ્લી અને સાબરકાંઠા તેમજ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પ્રિ-મોન્સૂન વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
આ સમયગાળા દરમિયાન 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે અને કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પણ પડી શકે છે. ત્યારબાદ મે મહિનાની શરૂઆતમાં અરબ સાગરમાં હવામાનમાં હલચલ વધવાની શક્યતા છે. મેના અંત અને જૂનની શરૂઆતમાં બંગાળની ખાડી અને અરબ સાગરમાં વાવાઝોડું સર્જાઈ શકે તેવું અનુમાન પણ વ્યક્ત કરવામાં આવ્યું છે.
હાલના તાપમાનની વાત કરીએ તો અમદાવાદ અને રાજકોટમાં મહત્તમ તાપમાન 40.7 ડિગ્રી નોંધાયું છે. ભુજમાં 40.6 ડિગ્રી, ગાંધીનગરમાં 40.2 ડિગ્રી અને સુરતમાં 37 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જેના કારણે ગરમીનો અહેસાસ વધુ તીવ્ર બની રહ્યો છે.