ભાજપની આવી હાલત તમે ક્યારેય નહી જોઈ હોય, સુરતમાં પ્રચાર દરમિયાન ભાજપ નેતાઓ ભાગ્યા
સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા ગોરાટ ખાતે હનુમાન મંદિરને લઈને ચાલી રહેલો વિવાદ હવે ઉગ્ર બન્યો છે. અશાંતધારા હેઠળ આવતા આ વિસ્તારમાં રાજકીય તણાવ ત્યારે વધ્યો, જ્યારે Bharatiya Janata Partyના ઉમેદવારો અને નેતાઓ પ્રચાર માટે પહોંચ્યા. સ્થાનિક લોકોએ ભારે વિરોધ દર્શાવી ભાજપના નેતાઓને સોસાયટીમાં પ્રવેશતા અટકાવવાનો પ્રયાસ કર્યો, જેના કારણે બંને પક્ષો વચ્ચે ધક્કામુક્કી સર્જાઈ હતી.
આ દરમિયાન વિરોધ કરી રહેલી એક મહિલાને ભાજપના કાર્યકર્તા દ્વારા ધક્કો મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે, જેના કારણે મહિલા લગભગ પડી ગઈ હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. રોષે ભરાયેલા સ્થાનિકોએ ભાજપના નેતાઓને પ્રચાર કરતા રોકી દીધા અને વિસ્તારમાંથી હટાવી દીધા હતા.
‘ગો બેક’ના નારા સાથે વિરોધ:ગોરાટ હનુમાન મંદિર ચોક ખાતે એક તરફ ભક્તો દ્વારા હનુમાન ચાલીસાનો પાઠ ચાલી રહ્યો હતો, તો બીજી તરફ રાજકીય વિરોધ ઉગ્ર બન્યો હતો. ભાજપના નેતાઓ પહોંચતા જ સ્થાનિકોએ ‘ગો બેક’ના નારા લગાવી તેમને પાછા જવા મજબૂર કર્યા હતા.
પ્રચાર દરમિયાન વાતચીતમાંથી શરૂ થયેલો વિવાદ ઝડપથી ઉગ્ર બની ગયો અને સ્થાનિકો તેમજ ભાજપ કાર્યકર્તાઓ વચ્ચે બોલાચાલી બાદ ધક્કામુક્કી અને અથડામણના દૃશ્યો સામે આવ્યા હતા.
વિસ્તારની મહિલાઓએ ભાજપના ઉમેદવાર હર્ષ મહેતા અને અન્ય કાર્યકર્તાઓ પર અભદ્ર વર્તન અને મારામારીના આક્ષેપો કર્યા છે. મહિલાઓનો દાવો છે કે ધક્કામુક્કી દરમિયાન તેમના કપડાં પણ ફાટી ગયા હતા. આ ઘટનાને લઈને વિસ્તારમાં મહિલાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.સ્થાનિકોના જણાવ્યા મુજબ, ગોરાટ વિસ્તારમાં નવા બાંધકામ અને ફ્લેટ વેચાણને લઈને વિવાદ ચાલી રહ્યો છે. લોકોનો આરોપ છે કે હનુમાન મંદિરને અડીને બનેલા બાંધકામથી ધાર્મિક સ્થળને ખતરો છે. છેલ્લા ઘણા વર્ષોથી આ મુદ્દે વિરોધ ચાલી રહ્યો હોવા છતાં યોગ્ય કાર્યવાહી ન થતા લોકોમાં નારાજગી વધી છે.
એક તરફ ભક્તિનો માહોલ અને બીજી તરફ રાજકીય તણાવ—આ બંને વચ્ચે સ્થિતિ તણાવપૂર્ણ બની ગઈ હતી. હાલમાં પોલીસ પરિસ્થિતિ પર નજર રાખી રહી છે.