×
Gujarat

શામળાજી-હિંમતનગર હાઈવે પર અકસ્માત, 6ના મોત, 6 ગંભીર

સાબરકાંઠા જિલ્લામાં National Highway 48 પર બુધવારે એક ભયાનક માર્ગ અકસ્માત બન્યો છે. હિંમતનગર નજીક જવાનગઢ પાટિયા પાસે ખાનગી બસ અને કાર વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં 6 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે, જ્યારે 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. સવારે હાઈવે પર ચીસો અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કાર સંપૂર્ણપણે નષ્ટ થઈ ગઈ હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ, મૃતકો મોડાસાના સરડોઈ ગામના રહીશ હતા અને કૂંપ તરફ જઈ રહ્યા હતા.

માહિતી અનુસાર, શામળાજીથી હિંમતનગર તરફ જતાં માર્ગ પર આ દુર્ઘટના બની હતી. પાછળથી ઝડપથી આવી રહેલી ખાનગી બસે કારને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભીષણ હતી કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો અને તેમાં સવાર 6 લોકોએ જીવ ગુમાવ્યો.

અકસ્માત બાદ સ્થાનિક લોકો તરત જ મદદ માટે દોડી આવ્યા હતા. ઘાયલ થયેલા લોકોને 108 એમ્બ્યુલન્સ મારફતે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. ઘટનાની જાણ થતા જ ગાંભોઈ પોલીસ સ્થળ પર પહોંચી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની તપાસ શરૂ કરી છે.

અકસ્માતને કારણે હાઈવે પર થોડો સમય ટ્રાફિક ખોરવાયો હતો, બાદમાં ક્રેનની મદદથી વાહનો ખસેડી માર્ગ ખુલ્લો કરવામાં આવ્યો. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોક અને ભયનો માહોલ છવાઈ ગયો છે.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ગેરકાયદેસર કટ અને નિયમોના ઉલ્લંઘન આ અકસ્માતનું મુખ્ય કારણ હોઈ શકે છે. શંકા છે કે કાર હાઈવેના ડિવાઈડર વચ્ચેના જોખમી કટ પરથી પસાર થવાનો પ્રયાસ કરી રહી હતી, ત્યારે પાછળથી આવી રહેલી બસ તેની સાથે અથડાઈ ગઈ.