×
GujaratSouth GujaratSurat

આ પ્રખ્યાત ડેરી અને આઇસક્રીમ પાર્લરના સેમ્પલ ફેલ, ખાતા પહેલા ધ્યાન રાખજો

Surat Municipal Corporationના આરોગ્ય વિભાગે શહેરના વિવિધ વિસ્તારોમાં ઘી અને આઈસ્ક્રીમના વેચાણ કેન્દ્રો પર સઘન ચેકિંગ કરતા ચોંકાવનારો ખુલાસો કર્યો છે. પબ્લિક હેલ્થ લેબોરેટરીના રિપોર્ટ મુજબ ત્રણ જાણીતી એજન્સીઓના કુલ 6 સેમ્પલ ‘અન-સેફ’ અને ‘સબસ્ટાન્ડર્ડ’ જાહેર થયા છે. આ મામલે Food Safety and Standards Act 2006 હેઠળ કડક કાર્યવાહી શરૂ કરવાની તજવીજ હાથ ધરાઈ છે.

ઘીમાં ભેળસેળનો મોટો પર્દાફાશ

કોસાડ વિસ્તારમાં આવેલા ન્યુ આદિનાથ ડેરી પ્રોડક્ટ ગોડાઉન પરથી લેવામાં આવેલા 4 ઘીના નમૂનાઓ તપાસમાં નિષ્ફળ રહ્યા છે, જે સ્વાસ્થ્ય માટે જોખમી હોવાનું સામે આવ્યું છે.

શ્રી ગોકુલ ગૌરક્ષ ઘી, ગોપીરાજ પ્રીમિયમ ડેરી ઘી અને મોતીરાજ પ્રીમિયમ કાઉ ઘીમાં ટ્રાન્સફેટનું પ્રમાણ નક્કી મર્યાદાથી વધુ મળ્યું છે, જે હૃદય માટે ખતરનાક ગણાય છે.

સબસ્ટાન્ડર્ડ ઘી: માખણ પ્રીમિયમ કાઉ પ્યોર ઘીમાં બીટા-સિટોસ્ટેરોલ મળી આવતાં તેમાં સસ્તા વનસ્પતિ તેલની ભેળસેળની શક્યતા સામે આવી છે.
આઈસ્ક્રીમમાં ગુણવત્તાની ખામી

પ્રીમિયમ કિંમતે વેચાતા આઈસ્ક્રીમમાં પણ ગડબડ સામે આવી છે. બે જાણીતા પાર્લરના નમૂનાઓ ‘સબસ્ટાન્ડર્ડ’ જાહેર થયા છે.

શિવ કૃપા આઈસ્ક્રીમ (સિટી લાઈટ): વેનીલા આઈસ્ક્રીમમાં દૂધની ચરબી (Milk Fat) અને B.R. Reading નક્કી ધોરણથી ઓછું મળ્યું.

ફ્રેંકો જીલાટો (ઉધના-મગદલ્લા રોડ): મલાઈ પિસ્તા આઈસ્ક્રીમમાં પણ મિલ્ક ફેટની ઉણપ મળી, જે ગ્રાહકો સાથે છેતરપિંડી દર્શાવે છે.
સ્વાસ્થ્ય પર અસર અને કાર્યવાહી

ટ્રાન્સફેટનું વધુ પ્રમાણ કોલેસ્ટ્રોલ વધારવા, હાર્ટ એટેક અને બ્લોકેજનું જોખમ વધારશે. જ્યારે મિલ્ક ફેટની ઉણપથી પોષણમાં ઘટાડો અને પાચન તકલીફો થઈ શકે છે.

આ મામલે તંત્ર દ્વારા સંબંધિત એકમો સામે લાયસન્સ રદ કરવા સહિત કોર્ટમાં કેસ ચલાવવાની કાર્યવાહી હાથ ધરાઈ શકે છે.