મારા પરિવારનો કે પત્નીનો કોઈ વાંક નથી, બાળકોની હત્યા કરી જીવન ટૂંકાવનાર પિતાનો અંતિમ વિડીયો સામે આવ્યો
રાજકોટ જિલ્લાના Kotda Sangani તાલુકાના સાંઢવાયા ગામના વતની અને છેલ્લા 15 વર્ષથી Gondal માં ‘ગાયત્રી સિમેન્ટ’ નામનું કારખાનું ચલાવતા 35 વર્ષીય જયપાલ તોગડીયાએ પરિવાર સહિત જીવન ટૂંકાવતાં સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
માહિતી મુજબ, ગઈકાલે સવારે જયપાલભાઈ પોતાના 15 વર્ષના પુત્ર મિશ્ર અને 10 વર્ષની પુત્રી રિવાને હંમેશની જેમ પ્રેમથી સાથે લઈને કારખાને ગયા હતા. પરિવારજનોને પણ અંદાજ નહોતો કે આ તેમની છેલ્લી મુલાકાત સાબિત થશે.કારખાનામાં પહોંચ્યા બાદ જયપાલભાઈએ પહેલા પોતાના બંને સંતાનોને ગળું દબાવી મોતને ઘાટ ઉતાર્યા હતા. ત્યારબાદ સંતાનોના નિષ્પ્રાણ દેહ જોઈ તેમણે પોતે પણ કારખાનામાં પંખા સાથે લટકી આત્મહત્યા કરી લીધી હતી. પ્રાથમિક તપાસમાં ધંધામાં સતત નુકસાન અને આર્થિક તંગીના કારણે તેઓ ભારે માનસિક તણાવમાં હોવાની માહિતી સામે આવી છે.
આ દુઃખદ ઘટનામાં જીવ ગુમાવનાર બંને બાળકો અભ્યાસમાં ખૂબ તેજસ્વી ગણાતા હતા. પુત્ર મિશ્ર ગોંડલની ખાનગી શાળામાં અભ્યાસ કરતો હતો અને તાજેતરમાં જાહેર થયેલા ધોરણ-10ના પરિણામમાં તેણે 70 ટકા ગુણ મેળવી પરિવારનું નામ રોશન કર્યું હતું. જ્યારે પુત્રી રિવા રામોદની ખાનગી શાળામાં અભ્યાસ કરતી હતી.
આત્મહત્યા પહેલા વીડિયો બનાવ્યો:આત્યંતિક પગલું ભરતા પહેલા જયપાલભાઈએ એક વીડિયો પણ બનાવ્યો હતો, જેમાં તેમણે પોતાની આર્થિક અને માનસિક પરિસ્થિતિ અંગે વાત કરી હતી. વીડિયોમાં તેમણે જણાવ્યું હતું કે છેલ્લા એક વર્ષથી ધંધો ચાલતો ન હોવાથી તેઓ ભારે તણાવમાં હતા.તેમણે વીડિયોમાં કહ્યું હતું કે, “મારા પરિવાર કે પત્નીનો કોઈ વાંક નથી. મારી ઉપર કોઈ દેવું નથી, પરંતુ ધંધો બંધ થવાના કારણે હું માનસિક રીતે સંપૂર્ણ રીતે તૂટી ગયો છું.”
વિડિયોમાં જયપાલભાઈએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા મહિનાઓથી તેમને ઊંઘ આવતી નહોતી અને તેઓ સતત માનસિક અસ્વસ્થતા અનુભવી રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે, “મેં ઘણાં પ્રયાસ કર્યા, પરંતુ હવે મગજ સ્થિર રહ્યું નથી. હું ગાંડો થઈ જાઉં એવી સ્થિતિમાં છું.”તેમણે પોતાના એક ઓળખીતાને કારખાને તાત્કાલિક પહોંચવા અને માતા-પિતાનું ધ્યાન રાખવા વિનંતી પણ કરી હતી. સાથે જ પોલીસ તંત્રને પરિવાર વિરુદ્ધ કોઈ કાર્યવાહી ન કરવાની અપીલ કરી હતી.
આ હૃદયદ્રાવક ઘટનાએ સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાવી દીધી છે. પોલીસે હાલ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.