×
GandhinagarCrimeGujarat

ગિફ્ટ સિટીમાં શૂટ સ્પેસના MD ઉત્પલ પટેલનું 400 કરોડનું કૌભાંડ

ગુજરાતના આર્થિક કેન્દ્ર ગણાતા GIFT Cityમાંથી કરોડો રૂપિયાના રોકાણ કૌભાંડનો ભંડાફોડ થતાં રોકાણકારોમાં ભારે ચિંતા ફેલાઈ છે. ‘શૂટ સ્પેસ ડિજિટલ પ્રાઇવેટ લિમિટેડ’ નામની કંપનીએ ટેરાબાઈટ ડેટા સ્પેસમાં રોકાણ કરાવવાના બહાને ગુજરાત, હરિયાણા અને ગોવા સહિતના આશરે 33 હજારથી વધુ લોકો સાથે રૂ. 400 કરોડથી વધુની છેતરપિંડી આચરી હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. આ મામલે 12 મેના રોજ મોટી સંખ્યામાં પીડિતોએ CID Crime Gujaratની આર્થિક ગુના શાખા અને DGP કચેરી ખાતે પહોંચીને કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી હતી.

રોકાણકારોને દર મહિને 5 ટકા જેટલા આકર્ષક વળતરની લાલચ આપી આ સ્કીમમાં ફસાવવામાં આવ્યા હતા. કૌભાંડનો મુખ્ય આરોપી ઉત્પલ પટેલ અરવલ્લી જિલ્લાનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. તેણે GIFT Cityમાં ભવ્ય ઓફિસ શરૂ કરી હતી અને મોટી ઇવેન્ટ્સ યોજીને લોકોને રોકાણ માટે પ્રેર્યા હતા. કંપનીનો દાવો હતો કે ડેટા સ્પેસમાં રોકાણ કરનારાઓને નિયમિત અને ઊંચું વળતર મળશે.

શરૂઆતના સમયમાં કંપનીએ રોકાણકારોને સમયસર પેમેન્ટ કરીને વિશ્વાસ જીત્યો હતો. ત્યારબાદ અનેક લોકોએ લાખોથી લઈને કરોડો રૂપિયા સુધીનું રોકાણ કર્યું હતું. જોકે છેલ્લા બે મહિનાથી ચુકવણીઓ અચાનક બંધ થતાં રોકાણકારોમાં ફફડાટ મચી ગયો છે.

પીડિત રોકાણકાર મેહુલભાઈ શાહના જણાવ્યા અનુસાર, ઉત્પલ પટેલ છેલ્લા ઘણા દિવસોથી સંપર્ક બહાર છે. તેઓનો આક્ષેપ છે કે અગાઉ આરોપી ફરિયાદ ન કરવા માટે દબાણ કરતો હતો અને કહેતો હતો કે જો તેના વિરુદ્ધ પોલીસ કાર્યવાહી થશે તો કોઈને પૈસા પરત નહીં મળે. હાલ તે ફરાર હોવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.

રોકાણકારોએ વધુ એક ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે આરોપીએ હવે નવી વેબસાઈટ શરૂ કરી છે, જેમાં ક્રિપ્ટોકરન્સી મારફતે ફરીથી રૂપિયા ઉઘરાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. સમગ્ર મામલે સ્થાનિક પોલીસ તેમજ સાયબર ક્રાઇમ વિભાગમાં પણ અરજીઓ આપવામાં આવી છે.