30 મેથી ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
ગુજરાતમાં હાલ કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. આજે અમદાવાદ, અરવલ્લી, સાબરકાંઠા સહિત રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને ઠંડા પવનો પણ ફૂંકાયા હતા. જોકે, વાદળોની અવરજવર વચ્ચે પણ સૂર્યનો તાપ ઓછો ન થતાં લોકોને ગરમી અને બફારાનો સામનો કરવો પડ્યો હતો.
હવે હવામાન વિભાગે રાજ્ય માટે રાહતના સંકેત આપ્યા છે. આગામી ચાર દિવસ બાદ ગુજરાતમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી સક્રિય બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જેના કારણે કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાઈ શકે છે. હવામાન વિભાગ મુજબ 30 મેથી 1 જૂન દરમિયાન સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ વરસી શકે છે.
એક તરફ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે, ત્યારે બીજી તરફ 26થી 28 મે દરમિયાન રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવનો ફૂંકાવાની શક્યતા છે. ખાસ કરીને પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, મોરબી અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં લોકો અકળામણ અને અસ્વસ્થતા અનુભવશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી ત્રણ દિવસ સુધી રાજ્યના મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. જોકે ત્યારબાદ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાઈ શકે છે. તેમ છતાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં આગામી સાત દિવસ દરમિયાન તાપમાન 40 ડિગ્રી અથવા તેનાથી વધુ રહેવાની શક્યતા છે.
30 અને 31 મે માટે વરસાદની આગાહી:હવામાન વિભાગે જણાવ્યું છે કે 30 મે 2026ના રોજ સાબરકાંઠા, અરવલ્લી અને મહિસાગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે.
જ્યારે 31 મેના રોજ પંચમહાલ, દાહોદ, મહિસાગર, અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં પણ ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.દક્ષિણ-પશ્ચિમ ચોમાસું પણ અનુકૂળ પરિસ્થિતિઓ વચ્ચે આગળ વધી રહ્યું છે. 25 મે 2026 સુધીમાં ચોમાસાની ઉત્તરીય સીમા અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના મહત્વના વિસ્તારો સુધી પહોંચી ગઈ હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે. આગામી 2થી 3 દિવસ દરમિયાન ચોમાસું દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્ર, કોમોરિન વિસ્તાર અને બંગાળની ખાડીના મધ્ય વિસ્તારોમાં વધુ સક્રિય બનશે તેવી શક્યતા છે.
આ સાથે પંજાબથી અરબી સમુદ્ર સુધી સર્જાયેલા હળવા દબાણ અને 28 મેથી સક્રિય થનારા નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર-પશ્ચિમ ભારતના હવામાનમાં પણ મહત્વના ફેરફારો જોવા મળી શકે છે.