ધારાસભ્ય હોય તો આવા હો: ગ્રાન્ટ ન મળી તો ગોપાલ ઈટાલીયાએ પોતાના પગારમાંથી દોઢ લાખ આપી ગામનો કૂવો બનાવ્યો

વિસાવદર-ભેંસાણના ધારાસભ્ય ગોપાલ ઈટાલીયાએ પોતાના મતવિસ્તારમાં લોકોની જરૂરિયાતોને પ્રાથમિકતા આપતા એક અનોખી પહેલ કરી છે. ભેંસાણ તાલુકાના નવા ખાખરા હડમતીયા ગામમાં વર્ષોથી જર્જરિત હાલતમાં રહેલા કૂવાના પુનઃનિર્માણ માટે તેમણે પોતાના ધારાસભ્યના પગારમાંથી દોઢ લાખ રૂપિયાનું યોગદાન આપીને ગ્રામજનોને મહત્વપૂર્ણ સહાય પૂરી પાડી છે.
તાજેતરમાં ગોપાલ ઈટાલીયા ગામની મુલાકાતે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે ગામના આગેવાન શૈલેષભાઈ કથીરિયાના નિવાસસ્થાને મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન ગ્રામજનોએ તેમને નવનિર્મિત કૂવો બતાવી સહયોગ બદલ જાહેરમાં આભાર વ્યક્ત કર્યો હતો.
ગોપાલ ઈટાલીયાના જણાવ્યા મુજબ, અગાઉ ગામની મુલાકાત દરમિયાન ગ્રામજનોએ કૂવાના પુનઃનિર્માણ માટે સરકારી ગ્રાન્ટ ફાળવવાની રજૂઆત કરી હતી. જોકે આવા કામ માટે કોઈ સરકારી જોગવાઈ ઉપલબ્ધ ન હોવાથી તેમણે વ્યક્તિગત સ્તરે મદદ કરવાનો નિર્ણય લીધો હતો. તેમણે ગ્રામજનોને કામ શરૂ કરવા પ્રોત્સાહિત કર્યા હતા અને પોતાના પગારમાંથી કુલ ₹1.50 લાખની સહાય આપવાની જાહેરાત કરી હતી. જેમાંથી ₹1 લાખ અગાઉ ચૂકવવામાં આવ્યા હતા, જ્યારે બાકીના ₹50 હજાર પણ ટૂંક સમયમાં આપવાના હોવાનું તેમણે જણાવ્યું હતું.
છેલ્લા કેટલાક સમયથી ગોપાલ ઈટાલીયા પોતાના મતવિસ્તારના વિવિધ પ્રશ્નોને લઈને સતત સક્રિય રહ્યા છે. ખેડૂતોના વીજપોલ મુદ્દે થયેલા વિરોધ પ્રદર્શનમાં તેમણે ખેડૂતોને ખુલ્લું સમર્થન આપીને તેમની સમસ્યાઓને વાચા આપી હતી. ઉપરાંત, પોતાના મતવિસ્તારમાં મંજૂર થયેલા વિવિધ વિકાસકાર્યોની વિગતો જાહેર કરીને પારદર્શિતા જાળવવાનો પ્રયાસ પણ કર્યો હતો.
ગામના લોકોનું કહેવું છે કે ધારાસભ્ય દ્વારા વ્યક્તિગત યોગદાનથી કરવામાં આવેલી આ મદદ માત્ર કૂવાના પુનઃનિર્માણ પૂરતી સીમિત નથી, પરંતુ જનપ્રતિનિધિ અને પ્રજા વચ્ચેના વિશ્વાસના સંબંધને પણ વધુ મજબૂત બનાવે છે.