GandhinagarGujarat

13મા માળેથી નીચે પટકાતા 29 વર્ષીય પૂજાનું મોત

ગાંધીનગર નજીક પાલજ ગામમાં નિર્માણાધીન ‘સ્તવ્ય સ્કાય’ એપાર્ટમેન્ટના 13મા માળેથી નીચે પટકાતા 29 વર્ષીય પરિણીતાનું મોત થતાં સમગ્ર મામલો હવે શંકાના ઘેરામાં આવ્યો છે. શરૂઆતમાં અકસ્માત હોવાનું માનવામાં આવી રહ્યું હતું, પરંતુ મૃતકના પિતાએ પોતાના જમાઈ સામે સતત શારીરિક અને માનસિક ત્રાસ આપીને પુત્રીને મોત તરફ ધકેલ્યાનો ગંભીર આક્ષેપ કરતાં ચિલોડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદ મુજબ, સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના જૂના જશાપર ગામના ખેડૂત ઘનશ્યામભાઈ ગોંડલીયાની પુત્રી પૂજાબેનના લગ્ન વર્ષ 2018માં મોટા ભડલા ગામના વતની રવી બકુલદાસ દેસાણી સાથે થયા હતા. દંપતીને યુગ અને યજ્ઞ નામના બે સંતાનો છે. રવી દેસાણી પરિવાર સાથે છેલ્લા દોઢ વર્ષથી પાલજ ગામમાં ભાડાના મકાનમાં રહેતો હતો.મૃતકના પિતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે લગ્ન બાદથી જ જમાઈ નજીવી બાબતોમાં પૂજાબેન સાથે ઝઘડા કરી મારઝૂડ કરતો હતો. અગાઉ એક પ્રસંગે બગોદરા નજીક પત્નીને માર મારી પિયર મૂકી ગયો હતો. ફરિયાદમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે સમાધાન દરમિયાન ગુસ્સે ભરાયેલા જમાઈએ પિયરપક્ષ દ્વારા આપવામાં આવેલી કારને આગ ચાંપી સળગાવી દીધી હતી. તેમ છતાં પરિવાર દીકરીનો ઘર-સંસાર બચી રહે તે માટે વારંવાર સમાધાનનો પ્રયાસ કરતો રહ્યો હતો.

ફરિયાદ અનુસાર, 9 જુલાઈના રોજ સાંજે અંદાજે પાંચ વાગ્યે પૂજાબેને પોતાના પિતા સાથે ફોન પર વાત કરી હતી. આ દરમિયાન પાલજમાં નિર્માણાધીન સ્કીમમાં 13મા માળે આવેલો ફ્લેટ આશરે ₹15 લાખમાં ખરીદવાની ચર્ચા થઈ હતી. જોકે, આ વાતચીતના થોડા જ સમય બાદ સાંજે સાડા પાંચ વાગ્યાની આસપાસ તેમના નીચે પટકાવાની ઘટના બની હતી.
ઘટનાની જાણ મૃતકના પિતાને વેવાઈના મોબાઇલ પરથી અજાણ્યા વ્યક્તિએ ફોન કરીને કરી હતી. માહિતી મળતાં તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા, જ્યાં પૂજાબેનનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ પડ્યો હતો.

ફરિયાદ બાદ સામે આવેલી વિગતો મુજબ, આરોપી પતિ પૂજાબેનને આ જ નિર્માણાધીન ફ્લેટ બતાવવાના બહાને અગાઉ પણ ત્રણ વખત ત્યાં લઈ ગયો હતો. વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા અનુસાર, ઘટનાના એક દિવસ પહેલાં પણ તે એકલો જ આ સાઇટની મુલાકાતે આવ્યો હતો.પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે જે ફ્લેટમાં ઘટના બની ત્યાંની સીડીની પેરાફિટ આશરે 44 ઇંચ ઊંચી હતી. બનાવના દિવસે 13મા માળે પહોંચ્યા બાદ પતિ સીડી તરફ ગયો હતો, જ્યારે તેનો મિત્ર બાળકને ઉપરનો નજારો બતાવી રહ્યો હતો. તે દરમિયાન પૂજાબેન સીડી તરફથી નીચે આવી રહ્યા હતા અને ત્યારબાદ તેઓ શંકાસ્પદ સંજોગોમાં 13મા માળેથી નીચે પટકાયા હતા. આ ઘટનાએ અનેક સવાલો ઊભા કર્યા છે.

અંતિમ સંસ્કાર અને સામાજિક વિધિઓ પૂર્ણ થયા બાદ મૃતકના પિતા ઘનશ્યામભાઈ ગોંડલીયાએ ચિલોડા પોલીસ સ્ટેશનમાં જમાઈ રવી બકુલદાસ દેસાણી સામે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે. તેમણે આક્ષેપ કર્યો છે કે સતત શારીરિક અને માનસિક ત્રાસના કારણે તેમની પુત્રીનું જીવન બરબાદ થયું અને આખરે આ દુર્ઘટના બની.

પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે. હાલ અકસ્માત, આત્મહત્યા કે અન્ય કોઈ સંજોગો જવાબદાર છે કે નહીં તે સહિત તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરવામાં આવી રહી છે.