3 જિલ્લામાં રેડ એલર્ટ અને 11માં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં 22 જુલાઈએ 150થી વધુ તાલુકાઓમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કર્યા બાદ આજે 23 જુલાઈએ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. ઉપરાંત રાજ્યના 11 જિલ્લાઓમાં ઓરેન્જ અને 10 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.દક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. સુરત શહેરમાંથી પસાર થતી ભેદવાડ અને સીમાડા ખાડી ઓવરફ્લો થતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. બીજી તરફ વલસાડમાં ઔરંગા નદીનું જળસ્તર 9 મીટરની ભયજનક સપાટીએ પહોંચતાં 200થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. તાપી જિલ્લામાં ધોધમાર વરસાદને કારણે વ્યારા-ઉનાઈ નેશનલ હાઈવે પર કોતરના પાણી ફરી વળતાં વાહનવ્યવહારને અસર પહોંચી છે.
રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો સરેરાશ 31 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યના 206 જળાશયોમાં કુલ 41 ટકા જળસંગ્રહ છે, જ્યારે નર્મદા ડેમમાં 68 ટકા પાણીનો જથ્થો નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધી સૌથી વધુ 50 ટકા વરસાદ નોંધાયો છે, જ્યારે કચ્છમાં સૌથી ઓછો માત્ર 3.50 ટકા વરસાદ નોંધાયો છે.
સુરતમાં ભારે વરસાદ અને ઉપરવાસમાંથી પાણીની આવક વધતાં ફરી એકવાર ખાડી પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. સીમાડા ખાડીના કાંઠે આવેલા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં મહાવીર ચોકથી લક્ષ્મણનગર જતો માર્ગ બંધ કરવાની ફરજ પડી છે. ખાડીનું જળસ્તર વધતાં ડ્રેનેજ સિસ્ટમ પણ અસરગ્રસ્ત બની છે. અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે અને કેટલાક વાહનો પાણીમાં બંધ પડી ગયા છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ સુરત શહેરમાં સવારે 4થી 8 વાગ્યા દરમિયાન માત્ર ચાર કલાકમાં જ 4 ઇંચ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદ અને ઉપરવાસમાંથી આવતાં પાણીના કારણે ભેદવાડ અને સીમાડા ખાડી ઓવરફ્લો થઈ ગઈ છે. અન્ય ખાડીઓ પણ ભયજનક સપાટીની નજીક પહોંચી ગઈ છે, જેના કારણે આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.
તાપી જિલ્લામાં પણ વરસાદનો જોર યથાવત છે. ડોલવણ તાલુકાના પાટી ગામ પાસે ઓલણ નદીમાં પાણીની ભારે આવક થતાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. નદીના જળસ્તરમાં સતત વધારો થતાં તંત્રએ કાંઠા વિસ્તારના લોકોને સાવચેત રહેવા અને નદી નજીક ન જવાની અપીલ કરી છે. વાલોડ તાલુકાના સાતવલ્લા ફળિયા સહિતના વિસ્તારોમાં પણ ભારે પાણી ભરાતા સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા છે.
નવસારી જિલ્લામાં ભારે વરસાદને કારણે કાવેરી નદી 19 ફૂટની ભયજનક સપાટી વટાવી હાલ 27 ફૂટે વહી રહી છે. નદી કિનારે આવેલા લગભગ 30 ગામોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. ચીખલીનો રિવરફ્રન્ટ જળમગ્ન બન્યો છે અને ત્યાં આવેલી 20 ફૂટ ઊંચી શિવજીની પ્રતિમા સુધી પાણી પહોંચી ગયું છે. જ્યારે બીલીમોરાના દેસરા વિસ્તારમાં ઘરોના પહેલા માળ સુધી પાણી ઘૂસી જતાં લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
રાજ્યભરમાં વરસાદી માહોલ વચ્ચે અમદાવાદ શહેરમાં પણ વહેલી સવારથી ઝરમર વરસાદ શરૂ થયો છે. એસપી રિંગ રોડ, જગતપુર, ચાંદખેડા, ન્યૂ ગોતા, એસજી હાઈવે, સાબરમતી, વૈષ્ણોદેવી સર્કલ સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.વાવ-થરાદ પંથકમાં લાંબા વિરામ બાદ વરસાદ વરસતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. રાત્રે પડેલા વરસાદથી ઉભા પાકને જીવતદાન મળ્યું છે, જ્યારે સવારથી પણ ઝરમર વરસાદ ચાલુ રહેતાં સારા ઉત્પાદનની આશા વધી છે.