સુરતમાં આમ આદમી પાર્ટી (AAP) સામે ટિકિટ માટે નાણાં લેવાના ગંભીર આક્ષેપો ઉઠતાં રાજકીય માહોલ ગરમાયો છે. સરથાણા પોલીસ સ્ટેશનમાં વોર્ડ નં. 1-2ના પ્રભારી અને દિલ્હીના રહેવાસી ઓમપ્રકાશ સામે રૂ. 18 લાખની માંગણી કરીને પૈસા પડાવ્યાની ફરિયાદ નોંધાઈ છે.
ફરિયાદી નવનીત નાવડીયાએ જણાવ્યું કે તેમની પત્ની લિપ્સાને ટિકિટ અપાવવાના બહાને શરૂઆતમાં રૂ. 18 લાખની માંગ કરવામાં આવી હતી, જે બાદમાં વાતચીત પછી સોદો રૂ. 8 લાખમાં નક્કી થયો હતો. આ સોદા સંબંધિત એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા મામલો વધુ ચર્ચામાં આવ્યો છે. પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.
સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના ગણતરીના દિવસો પહેલા આ વિવાદ સામે આવ્યો છે. નવનીત નાવડીયાએ આક્ષેપ કર્યો કે ઓમપ્રકાશે મેન્ડેટ મેળવવા માટે નાણાં આપવાની શરત મૂકી હતી. કતારગામ ખાતે થયેલી મુલાકાત દરમિયાન તેમને કહેવામાં આવ્યું હતું કે આ વખત વોર્ડ જીતવાની શક્યતા વધુ હોવાથી ટિકિટ માટે મોટી રકમ ચૂકવવી પડશે. સાથે એ પણ લાલચ અપાયું હતું કે કોર્પોરેટર બન્યા બાદ થોડા જ સમયમાં આ રકમ વસૂલ થઈ જશે.
આરોપ મુજબ, લાંબી રકઝક બાદ 8 લાખમાં સોદો થયો હતો અને તબક્કાવાર ચૂકવણી કરવામાં આવી હતી. 25 માર્ચ, 2026ના રોજ કિરણચોક નજીક રૂ. 2.50 લાખ રોકડ આપવામાં આવ્યા હતા. ત્યારબાદ ATM અને અન્ય રીતે મળી કુલ આશરે 3 લાખ રૂપિયા ચુકવાયા હતા. તેમ છતાં આરોપીઓ દ્વારા વધુ 2 લાખની માંગણી કરવામાં આવી હતી અને વોટ્સએપ કોલ દ્વારા સતત દબાણ કરવામાં આવતું હતું.
પત્નીને ટિકિટ ન મળતાં નવનીત નાવડીયાએ અન્ય નેતાઓનો સંપર્ક કર્યો હતો. તેમને ખાતરી અપાઈ હતી કે ટિકિટ મળશે અને ફોર્મ પણ ભરાવવામાં આવ્યું હતું. પરંતુ બાદમાં આપવામાં આવેલ મેન્ડેટ ખોટું નીકળતાં છેતરપિંડી થયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ સમગ્ર મામલે ઓમપ્રકાશ અને આકાશ મિશ્રા સામે સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. આરોપીઓ હાલ સંપર્ક બહાર હોવાનું કહેવાઈ રહ્યું છે. ફરિયાદીના જણાવ્યા મુજબ કોલ રેકોર્ડિંગ અને અન્ય પુરાવા સાથે પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે અને કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.