CrimeGujaratSaurashtra

સુરત બાદ હવે ધોરાજીમાં પણ એક યુવકે પ્રેમિકા પર કર્યો હુમલો

સુરતમાં એકતરફી પ્રેમમાં પડેલા એક યુવકે જાહેરમાં ગ્રીષ્મા નામની યુવતીને છરીથી ઘા કરીને હત્યા કરી નાખી હતી. આ ઘટના સમગ્ર ગુજરાત હાલ ચર્ચાનો વિષય બની ગઈ છે. ત્યારે ધોરાજીમાં પણ આવી જ એક ઘટના સામે આવી છે. જેમાં પ્રેમીએ એક મહિલાની હત્યા કરવાનો પ્રયાસ કર્યો છે. મળતી માહિતી પ્રમાણે, પ્રેમીએ એક મહિલા પર હુમલો કરીને તેનું નાક તેમજ વાળ કાપીને હત્યા કરવાનો પ્રયાસ કર્યો છે. પ્રેમી મહિલાના પેટમાં છરી મારવા જ જતો હતો ત્યાં જ મહિલાએ તેને રોકવા માટેનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન છરી મહિલાના હાથમાં વાગતા જ લોહી વહેવા લાગ્યું હતું. આ મહિલાને સારવાર અર્થે પહેલા જૂનાગઢ અને બાદમાં રાજકોટ ખાતે ખસેડવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ધોરાજી શહેરમાં વસવાટ કરતા ફરજાબેન સીતારભાઈ માલવિયા નામની એક મહિલા પર રાજકોટમાં વસવાટ કરતા સુલતાન ઉર્ફે ટીપુ જનમામદભાઈ જુણેજા નામના તેમના પ્રેમીએ હુમલો કર્યો હતો. મહિલા પતિ સાથે છુટાછેડા થતા એક વર્ષ પહેલાં તેના પ્રેમી સુલતાન સાથે રાજકોટ ખાતે રહેવા લાગી હતી. ત્યારબાદ આ મહિલા પોતાના માતાના નિવાસસ્થાને ધોરાજી પરત ફરી હતી. ત્યારે સુલતાને તેની પ્રેમિકા ફરજાનાને રાજકોટ પરત આવવા માટે ખૂબ દબાણ કર્યું હતું. પરંતુ મહિલા રાજકોટ ન આવતા સુલતાન ધોરાજી ખાતે પહોંચ્યો અને મહિલા પર જીવલેણ હુમલો કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ખુબજ ગુસ્સા સાથે ધોરાજી ખાતે પહોંચેલા સુલતાને તેની પ્રેમિકા ફરજાનાનું ગળુ દબાવી તેની હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. સુલતાને કરેલ હુમલાથી ફરજાનાના હાથના ભાગમાં ગંભીર ઈજા થઈ છે. સુલતાન અને તેનો મિત્ર મહિલા પર હુમલો કરીને ત્યાંથી ભાગી ગયા હતા. ઈજાગ્રસ્ત ફરજાનાને સારવાર અર્થે પહેલા જૂનાગઢ ખાતે લઈ જવામાં આવી હતી.

જો કે, ગંભીર ઇજા હોવાને લીધે વધુ સારવાર માટે તેણીને રાજકોટ ખાતે ખસેડવામાં આવી છે.તમને જણાવી દઈએ કે, સમગ્ર મામલે ધોરાજી પોલીસે ભોગ બનનાર મહિલાના જણાવ્યા અંજસર ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અને આરોપી પ્રેમીની ધરપકડ કરવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યાં છે.