માસુમ બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનાર આરોપીનું ગુજરાત પોલીસે કર્યું એન્કાઉન્ટર

ગુજરાતના આણંદ જિલ્લામાં ચાર વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ આચરી તેની નિર્દયતાથી હત્યા કરનાર આરોપીનું પોલીસ એન્કાઉન્ટરમાં મોત થયું છે. આ ઘટનાએ સમગ્ર રાજ્યમાં ભારે આક્રોશ ફેલાવ્યો હતો. આરોપીએ વાસદ વિસ્તારમાંથી બાળકીનું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ આચર્યા બાદ તેને રેલવે ટ્રેક પર ફેંકી દીધી હતી, જ્યાં રાત્રે ટ્રેન નીચે આવી જતાં બાળકીનું કરુણ મોત થયું હતું.
પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો કે આરોપી સુરેશ પરમારે રેલવે સ્ટેશનની ટિકિટ બારી નજીકથી બાળકીનું અપહરણ કર્યું હતું. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી અને બોયાસણ નજીકના પરા વિસ્તારમાંથી આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તેને વધુ તપાસ માટે પોલીસ વાનમાં વાસદ લઈ જવામાં આવી રહ્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી નશાની હાલતમાં હતો. કંટારિયા અને આસોદર વચ્ચે તેણે વોમિટ થવાનું બહાનું બતાવી પોલીસ વાન ઉભી રાખવા કહ્યું હતું. ગાડીમાંથી નીચે ઉતરતાની સાથે જ તેણે અચાનક ચપ્પા વડે પોલીસ ટીમ પર હુમલો કરી દીધો હતો. હુમલામાં પોલીસ જવાન રાજવીરસિંહ અને મહિપાલસિંહ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.
પોલીસ પર હુમલો કર્યા બાદ આરોપીએ ઘટનાસ્થળેથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે તેને રોકવા માટે ચેતવણી આપી હતી, પરંતુ તેણે પોલીસની સૂચનાનું પાલન ન કરતાં અને નાસવાનો પ્રયાસ ચાલુ રાખતાં પોલીસે આત્મરક્ષામાં ફાયરિંગ કરવું પડ્યું હતું.
ફાયરિંગમાં ઘવાયેલા આરોપી સુરેશ પરમાર તેમજ ઈજાગ્રસ્ત બંને પોલીસ જવાનોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન સુરેશ પરમારનું મોત થયું હતું. જ્યારે બંને પોલીસ જવાનોની સારવાર હાલ ચાલુ હોવાનું જાણવા મળ્યું છે. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ દ્વારા જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જ્યારે માસૂમ બાળકીની હત્યાના કેસને લઈને રાજ્યભરમાં હજુ પણ ભારે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે.