સુરતની SBIમાં 50 લાખ લૂંટ કેસમાં આરોપીનું એન્કાઉન્ટર
સુરતના વરાછા વિસ્તારમાં આવેલી SBI બેંકમાં થયેલી અંદાજે રૂ. 50 લાખની લૂંટ કેસમાં તપાસ દરમિયાન ચોંકાવનારી ઘટના સામે આવી છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમ મુખ્ય આરોપી શુભમને લઈને તપાસ માટે ગઈ હતી, ત્યારે તેણે પોલીસ પર જ ફાયરિંગ કરી ભાગવાનો પ્રયાસ કર્યો હતો.
આ બનાવ સુરત ગ્રામ્યના કન્યાસી ગામ નજીક થયો હતો, જ્યાં હથિયાર રિકવરી અને ઘટનાનું રીકન્સ્ટ્રક્શન ચાલી રહ્યું હતું. પોલીસે સાત દિવસના રિમાન્ડ પર રહેલા શુભમ અને તેના સાગરીત વિકાસને સાથે લઈ જઈ તપાસ હાથ ધરી હતી. પૂછપરછ દરમિયાન શુભમે કબૂલ્યું હતું કે લૂંટમાં વપરાયેલી પિસ્તોલ અને મોબાઈલ તેણે ખેતર પાસે છુપાવ્યા છે.
જ્યારે પોલીસ ટીમ ખાડી પાસે આ વસ્તુઓ શોધી રહી હતી, ત્યારે શુભમે તકનો લાભ લઈ અચાનક પોલીસ પાસેથી પિસ્તોલ છીનવી લીધી અને ટીમ પર ગોળીબાર શરૂ કરી દીધો. આ અચાનક હુમલાથી થોડા સમય માટે અફરાતફરી મચી ગઈ હતી.
પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે એસીપી Kiran Modiએ તરત જ સતર્કતા દાખવી અને સ્વબચાવમાં વળતો ગોળીબાર કર્યો. તેમની ગોળી આરોપી શુભમના બંને પગમાં વાગી, જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થઈ જમીન પર પડી ગયો.
પોલીસે તરત જ આરોપીને કાબૂમાં લઈને સુરક્ષા હેઠળ સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો છે. હાલ સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે અને લૂંટ કેસ સાથે જોડાયેલા અન્ય મુદ્દાઓ પણ ખંગાળવામાં આવી રહ્યા છે.