નાગરિકતા સુધારો અધિનિયમ (સીએએ) અને રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર ના વિરોધમાં દિલ્હીમાં ઘણા સમયથી વિરોધ પ્રદર્શન યોજાઈ રહયા છે. ગઈકાલે જામિયા મીલીયા ઇસ્લામીયા યુનિવર્સિટીથી રાજઘાટ સુધીની માર્ચ દરમિયાન એક યુવકે ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગમાં એક પ્રદર્શનકારી ઘાયલ પણ થયો હતો.બાદમાં ફાયરિંગ કરનાર યુવકને પોલીસે ઝડપી લીધો હતો. યુવકની ઓળખાણ ગોપાલ તરીકે થઇ છે.તેની ફેસબુક પ્રોફાઈલ જોતા તે હિન્દૂ સંગઠન સાથે જોડાયો હોવાનું માનવામાં આવી રહ્યું છે.
આ મામલે ગુજરાત કેડરના નિવૃત IPS અધિકારી રમેશ સવાણી એ ફેસબુક પોસ્ટમાં લખ્યું હતું કે, કેમ યુવાનોને રોબોટ બનાવીને આવા કૃત્ય કરાવવામાં આવે છે? કેમ કોઈ પ્રધાનનો દીકરો ગોળી ચલાવવા નથી જતો?
નિવૃત પોલીસ અધિકારી રમેશ સવાણી ની પોસ્ટ આ મુજબ છે: ગુરુવાર, 30 જાન્યુઆરી 2020 ના રોજ 19 વર્ષના ગોપાલે દિલ્હીમાં CAA-નાગરિકતા સુધારા કાયદાના વિરોધમાં વિદ્યાર્થીઓની રેલી ઉપર તમંચાથી ફાયરિંગ કરી એક વિદ્યાર્થીને ઈજાગ્રસ્ત કરી દીધો. ગોપાલે કહ્યું : “મૈં આઝાદી દે રહા હૂં !” એક યુવાનના મનમાં આટલો ધિક્કાર રોપ્યો કોણે? ગોપાલ એક નથી; શહેરોની ગલીએ ગલીએ છે, ગામડે ગામડે છે ! ગોડસે દેશભક્ત હતો, એવી બૂમો પાડો ત્યારે અનેક ગોપાલનો જન્મ થાય છે !
રમેશ સવાણીએ લખ્યું છે કે, ગોપાલ સામે IPC કલમ-307 હેઠળ કાર્યવાહી થશે, જેલમાં રહેશે, એને શું મળ્યું? કોઈ પ્રધાનનો દીકરો કેમ તમંચો/રીવોલ્વર લઈને પ્રદર્શનકારીઓ ઉપર ફાયરિંગ કરતો નથી? શામાટે યુવાનોના મગજમાં ધિક્કારનું ઝેર ભરવામાં આવે છે? શામાટે યુવાનોને રોબોટ બનાવવામાં આવે છે? શામાટે ગોપાલો ગોડસેના રસ્તે જઈ રહ્યા છે? યુવાનોએ એ સમજી લેવાની જરુર છે કે ધિક્કારનું ઝેર માત્ર સત્તાપ્રાપ્તિ માટે ફેલાવવામાં આવી રહ્યું છે.
IT Cell મુસ્લિમ શાસકો/નહેરુ વિરુધ્ધની પોસ્ટ ધડાધડ તૈયાર કરીને લોકોના મગજમાં ઝેર ભરે છે. ગોપાલ જ નહીં, કેટલાંય બુધ્ધિજીવીઓ/રેશનલ લોકો IT Cellની પોસ્ટને સાચી માનીને ચોક્કસ નેતાનો જયજયકાર કરી રહ્યા છે. આ ખતરનાક બાબત છે. તાનાશાહી તરફનું આ પગલું છે. ભૂતકાળમાં આવો નેતા થયો નહતો અને ભવિષ્યમાં પણ આવો નેતા થશે નહીં; એવા ભજનિયાં શરુ કર્યા છે !
તમે શરમહીન થઈને ધાર્મિક લાગણી ઉશ્કેરી શકો અને તમને ક્રોની કેપિટાલિસ્ટનો પૂરો ટેકો હોય તો તમે માત્ર ગોપાલનું મગજ નહીં, કરોડો લોકોના મગજ પ્રદૂષિત કરી શકો છો. સરદાર/ભગતસિંહ/સુભાષચંદ્ર બોઝ/રામમંદિર/ગાય/સાધુસંતો વગેરે લોકપ્રિય પ્રતીકોનો ઉપયોગ કરો તો તમને સત્તાસ્થાનેથી કોઈ હલાવી પણ ન શકે ! ભલે તમે આવું કરો, સત્તા ભોગવો, પણ દેશના/NRIના ગોપાલોના મગજ પ્રદૂષિત કરવાનું બંધ કરો તો મોટી દેશસેવા કહેવાશે.