×
Advertisement
CrimeAhmedabadGujarat

અમદાવાદમાં શોરૂમમાંથી સેલ્સ ગર્લે 1.66 કરોડના સોનાના દાગીના ચોર્યા, હિરોઈન જેવો ઠાઠ

Narendra Modi દ્વારા એક વર્ષ સુધી સોનું ન ખરીદવાની અપીલ વચ્ચે Ahmedabadના નિકોલ વિસ્તારમાં કરોડોની ચોરીની ચકચાર મચી ગઈ છે. અહીં સોના-ચાંદીના શો-રૂમમાં સેલ્સ ગર્લ તરીકે કામ કરતી યુવતી આશરે રૂ. 1.66 કરોડના સોનાના દાગીના લઈને ફરાર થઈ ગઈ હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી મુજબ, Ahmedabadના કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા દર્શનભાઈ શાહ નિકોલ ખાતે અનમોલ સર્કલ નજીક ગ્રેવિટી શોપિંગ મોલમાં ‘આભૂષણ’ નામનો જ્વેલરી શો-રૂમ ચલાવે છે. શો-રૂમમાં મેનેજર, સેલ્સમેન અને માર્કેટિંગ સ્ટાફ સહિત કુલ 19 લોકો કામ કરે છે. આશરે 11 મહિના પહેલાં હર્ષિદા શેટ્ટી નામની યુવતી સેલ્સ ગર્લ તરીકે જોડાઈ હતી.

11 મે, 2026ના રોજ બપોરે દર્શનભાઈ ઘરે જમવા ગયા હતા ત્યારે શો-રૂમમાં મેનેજર અને અન્ય સ્ટાફ હાજર હતા. સાંજે લગભગ 5 વાગ્યે તેઓ પરત ફર્યા ત્યારે એક ગ્રાહક ખરીદી કરવા આવ્યો હતો. તે દરમિયાન સ્ટાફે ટ્રેમાં રાખેલી સોનાની લકી ઓછી હોવાનું ધ્યાનમાં આવ્યું.

તપાસ દરમિયાન જાણવા મળ્યું કે હર્ષિદા શેટ્ટી શો-રૂમમાં હાજર નહોતી. સ્ટાફે જણાવ્યું કે તે ઇમરજન્સી કામ હોવાનું કહીને સાંજે 4:30 વાગ્યે નીકળી ગઈ હતી. જોકે માલિકે કોઈ રજા મંજૂર કરી ન હતી.

ત્યારબાદ CCTV ફૂટેજ તપાસવામાં આવ્યા હતા. તેમાં હર્ષિદા શેટ્ટી શો-રૂમના કબાટમાંથી સોનાના દાગીના કાઢીને પોતાના ખિસ્સામાં અને બેગમાં મૂકતી જોવા મળી હતી. બાદમાં તે સ્ટોર રૂમમાંથી પોતાની બેગ લઈને બહાર નીકળી ગઈ હતી.

આરોપીનો મોબાઇલ ફોન બંધ આવતા સમગ્ર શો-રૂમમાં સ્ટોક ચેક કરવામાં આવ્યો હતો. તપાસમાં સોનાની ચેન, લકી, ઘડિયાળ, બુટ્ટી, મંગળસૂત્ર, પેન્ડલ અને વીંટીઓ સહિત કુલ રૂ. 1.66 કરોડના દાગીના ગાયબ હોવાનું બહાર આવ્યું હતું. સમગ્ર મામલે Nikol Police Stationએ ગુનો નોંધી આરોપી યુવતીની શોધખોળ શરૂ કરી છે.