International

ચમત્કાર: જાપાનમાં મોટા ભૂકંપના કારણે કાટમાળ નીચે દટાઈ ગયેલા 90 વર્ષના દાદી 6 દિવસ પછી જીવતા બહાર આવ્યા

90-year-old grandmother alive after 6 days

નવા વર્ષના પહેલા દિવસે જાપાનમાં શક્તિશાળી ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેના કારણે ભારે તબાહી મચી ગઈ હતી. ભૂકંપના કારણે સુનામી એલર્ટ પણ જારી કરવામાં આવ્યું હતું. ઘણી જગ્યાએ ઘણી ઈમારતો ધરાશાયી થઈ ગઈ હતી. આ ઘટના બાદ રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું હતું. ઘટનાના છ દિવસ બાદ 90 વર્ષના એક મહિલાને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા છે અને તે જીવિત છે.

આ એક ચમત્કાર જ કહી શકાય. મળતી માહિતી મુજબ પશ્ચિમ જાપાનમાં એક ધરાશાયી થયેલા મકાનના કાટમાળમાંથી 90 વર્ષની એક મહિલાને જીવતી બહાર કાઢવામાં આવી છે. ભૂકંપના 124 કલાક બાદ પણ કાટમાળ નીચે દટાયેલી મહિલા જીવિત છે. તમને જણાવી દઈએ કે જાપાનમાં આવેલા આ ભૂકંપમાં ઓછામાં ઓછા 126 લોકોના મોત થયા છે.

નવા વર્ષના પ્રથમ દિવસે 1 જાન્યુઆરીએ આવેલા ભૂકંપમાં સૌથી વધુ મૃત્યુ જાપાનના વાજિમા શહેરમાં થયા હતા. ભૂકંપ બાદ ઘણી જગ્યાએ આગ ફાટી નીકળી હતી અને ઉંચી જ્વાળાઓ જોવા મળી હતી. અત્યારે પણ જાપાની સૈનિકો યુદ્ધના ધોરણે રાહત કાર્ય કરી રહ્યા છે અને લગભગ ત્રીસ હજાર લોકોને પાણી, ખોરાક, દવાઓ અને અન્ય સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે.

જાપાનના લોકો ફરિયાદ કરે છે કે સરકાર ભૂકંપ પછી રહેણાંક વિસ્તારોના સમારકામ માટે પ્રયાસ કરી રહી નથી. તેમનું કહેવું છે કે જેનું સર્ચ ઓપરેશન પૂરું થઈ ગયું છે તે કાટમાળ અકબંધ રાખવામાં આવ્યો છે. કાટમાળના કારણે ઘણા વિસ્તારોમાં રસ્તાઓ બંધ થઈ ગયા છે.