આગામી ૧૮ થી ૨૬ જાન્યુઆરી ઊંઝા ઉમિયા સંસ્થાન ખાતે શ્રી ઉમિયા માતાજી લક્ષચંડી મહાયજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહીત ભાજપના દિગ્ગ્જ નેતાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. પાટીદાર સમજાણી સંસ્થા દ્વારા ભાજપના નેતાઓએ આમંત્રણ અપાતા જ પાટીદાર યુવકોમાં ભારે રોષનો માહોલ છે.સોશિયલ મીડિયામાં પણ અમિત શાહ ગો બેક ની પોસ્ટ વાઇરલ થઇ રહી છે ત્યારે હવે અમિત શાહ આવશે તો યુવકોના રોષનો ભોગ બનશે તે નક્કી છે.
આજે અમિત શાહના વિરોધમાં પાટીદાર યુવાનો લક્ષચંડી હવનની યજ્ઞશાળા નજીક ઉપવાસ પર બેઠા છે. યજ્ઞના આયોજકો દ્વારા ઉપવાસ આંદોલન કરી રહેલા યુવાનો પર દાદાગીરી કર્યા નો વિડીયો હાલ વાઇરલ થઇ રહ્યો છે.વિસનગરના યુવાન કૌશિક પટેલ અને અન્ય યુવાનો જે સ્થળે લક્ષચંડી મહાયજ્ઞનો હવન યોજવાનો છે ત્યાં જ ઉપવાસ પર બેસી ગયા હતા.જો કે શાંતિથી ઉપવાસ આંદોલન કરી રહેલા યુવાનો પર સમાજના આગેવાનોએ દાદાગીરી કરીને પોસ્ટર ફાડી નાખ્યા હતા અને અસભ્ય વર્તન કર્યું હતું.
આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતા આગેવાનો પર જ શંકા ઉભી થઈ છે.કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનો અને મહાનુભાવો માં મોટાભાગના ભાજપના નેતાઓ છે અને યુવાનોનો આરોપ છે કે પાટીદાર સમાજની સંસ્થાએ રાજકારણ કરવા ભાજપના નેતાઓને આમંત્રિત કર્યા છે.ગઈકાલે એક વિડીયો વાઇરલ થયો હતું જેમાં પાટીદાર અનામત આંદોલન દરમિયાન શહીદ થયેલ યુવકના પરિવારજનો ઊંઝા સંસ્થાના મોભીઓને ખરાખરી સંભળાવતા નજરે પડયા હતા.
તેઓ આક્રોશ સાથે કહી રહયા હતા કે પાટીદાર સમાજના યુવાનોને ગોળીએ વીંધી નાખનાર ભાજપ સરકારના નેતાઓને તમે શા માટે આમંત્રિત કર્યા છે. યુવાનો હાલ સોશિયલ મીડિયા પર લખી રહયા છે કે, “માં અમે તૈયાર છીએ, 14 પાટીદારના હત્યારાનું સ્વાગત કરવા”. સોશીયલ મીડિયા ઉપરાંત જાહેર સ્થળો પર પણ અમિત શાહ તેમજ ભાજપના નેતાઓ વિરુદ્ધ પોસ્ટરો લગાવવામાં આવ્યા છે.