તિહારમાં નિર્ભયાના દોષીઓને સજા આપવા માટે તૈયારીઓ શરુ કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે નિર્ભયાના ચાર ગુનેગારોને એક સાથે ફાંસી આપવામાં આવશે. હવે તિહાર જેલ દેશની આવી પહેલી જેલ બની ગઈ છે, જ્યાં એક સાથે ચાર ને ફાંસી આપી શકાય છે. આજ સુધી ત્યાં એક એ જ ફાંસી આપવાની વ્યવસ્થા હતી પરંતુ તે હવે વધારીને 4 કરી દેવાઈ છે.સોમવારે PWD વિભાગ દ્વારા તિહાર જેલની અંદર ફ્રેમ્સ તૈયાર કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. તિહાર જેલના સૂત્રોએ જણાવ્યું હતું કે જેસીબી મશીન પણ આ કામગીરી પૂર્ણ કરવા જેલની અંદર લાવવામાં આવ્યું હતું.
જેસીબી મશીનની મદદથી ત્રણ નવી હેંગિંગ ફ્રેમ્સ અને ટનલ તૈયાર કરવામાં આવી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે લટકતા તખ્તા હેઠળ એક ટનલ પણ બનાવવામાં આવી છે. આ ટનલમાં લટક્યા પછી મૃત કેદીનો મૃતદેહ બહાર કાઢવામાં આવે છે. હાલમાં 3 નવા તખ્તા સાથે એક જૂનો તખ્તો પણ બદલવામાં આવ્યો છે.
જણાવી દઈએ કે 6 ડિસેમ્બર, 2012 ના રોજ નિર્ભયા ગેંગરેપ કેસના ચારેય દોષીની ફાંસીની સજા પર નિર્ણય હવે અંતિમ તબક્કામાં છે. પટિયાલા હાઉસ કોર્ટ દોષિત અક્ષય, પવન, વિનય અને મુકેશના ડેથ વોરંટ પર 7 જાન્યુઆરીએ સુનાવણી કરશે.દોષિતોએ તિહાર જેલ પ્રશાસનને ક્યુરેટિવ અરજી માટે પત્ર લખ્યો છે. નિષ્ણાંતો કહે છે કે 19 ડિસેમ્બરે સુપ્રીમ કોર્ટે દોષિતોની પુનર્વિચાર અરજીને ફગાવી દીધી હતી.દયાની અરજી એ છેલ્લો વિકલ્પ છે. નિર્ભયા ગેંગરેપનો મામલો સૌથી ક્રૂર માનવામાં આવે છે જેથી રાહતની આશા બહુ ઓછી છે.