ન્યૂયોર્કના એપાર્ટમેન્ટમાં ભીષણ આગ, 9 બાળકો સહિત 19 લોકોના મોત, 200 ફાયરફાયટર ઘટનાસ્થળે
અમેરિકાના ન્યૂયોર્કના બ્રોન્ક્સમાં એક એપાર્ટમેન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી છે. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં કુલ 19 લોકોના મોત થયા છે. આ ઘટનામાં માર્યા ગયેલાઓમાં નવ બાળકોનો પણ સમાવેશ થાય છે. આ અકસ્માતમાં ડઝનેક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર આગ બિલ્ડિંગના બીજા અને ત્રીજા માળે લાગી હતી. અકસ્માતની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લેવાનું શરૂ કર્યું હતું.
બિલ્ડિંગના બીજા અને ત્રીજા માળે આવેલા ડુપ્લેક્સ એપાર્ટમેન્ટમાં સવારે 11 વાગ્યા પહેલા આગ ફાટી નીકળી હતી. આગ લાગ્યા બાદ 200 જેટલા ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગ ઓલવવાનું શરૂ કર્યું હતું. મેયર એરિક એડમ્સે કહ્યું કે આ અમે અહીં ન્યૂયોર્ક શહેરમાં જોયેલી સૌથી ભયંકર આગની ઘટનાઓ પૈકીની એક છે. એમ પણ કહ્યું કે ન્યુયોર્ક સિટી માટે આ એક ભયાનક અને પીડાદાયક ક્ષણ છે. આગ મૂળ રીતે શંકાસ્પદ માનવામાં આવી રહી નથી, પરંતુ કારણની તપાસ કરવામાં આવી રહી છે.
ફાયર ડિપાર્ટમેન્ટ ન્યૂયોર્કના કમિશનર ડેનિયલ નેગ્રોએ આગની ગંભીરતાની સરખામણી હેપ્પી લેન્ડ સોશિયલ ક્લબની આગ સાથે કરી હતી, જેમાં 87 લોકોના મોત થયા હતા. વર્ષ 1990માં થયેલ એ ઘટનામાં એક વ્યક્તિએ તેની પૂર્વ પ્રેમિકા સાથે ઝઘડો કર્યા બાદ બિલ્ડિંગમાં આગ લગાવી દીધી હતી.
થોડા દિવસો પહેલા ફિલાડેલ્ફિયામાં એક ઘરમાં લાગેલી આગમાં આઠ બાળકો સહિત 12 લોકોના મોત થયા હતા. ઓછામાં ઓછા આઠ લોકો આગમાંથી બચવામાં સફળ રહ્યા હતા. પરિવારના સભ્યોએ ફેસબુક પર બંને પીડિતોની ઓળખ કરી છે. બે બહેનો રોઝેલી મેકડોનાલ્ડ અને વર્જીનિયા થોમસ છે. એક અઠવાડિયા પહેલા, યુએસએના ડેનવરમાં કોલોરાડોના જંગલમાં ફાટી નીકળેલી આગને કારણે લગભગ 580 ઘરો, એક હોટેલ અને એક શોપિંગ સેન્ટર બળીને ખાખ થઈ ગયા હતા.