GujaratSouth GujaratSurat

સુરત: પ્રાઇવેટ બસમાં કોમ્પ્રેસર ફાટતા આગ વિકરાળ બની, એક મહિલા સળગતી હાલતમાં બસની બારી પર લટકતી રહી પણ બચી ન શકી, નજારો જોનારા સૌ કોઈ ભાવુક થયા

ગઈકાલે મોડીરાત્રે સુરત (Surat) માં એક લકઝરી બસમાં ભયાનક આગ લાગી હતી જેમાં એસીનું કોમ્પ્રેસર પણ ફાટ્યું હતું. એસી નું કોમ્પ્રેસર ફાટતા જ આગ ખુબ જ વિકરાળ બની હતું અને ગણતરીની મીનીટમાં આખી બસ સળગી ગઈ હતી. મળતી માહિતી મુજબ બસમાં થોડા જ મુસાફર સવાર હતા જેમાં એક યુવક તો તરત જ બહાર નીકળી જતા બચી ગયો હતો પણ એક મહિલા ભડથું થઇ ગઈ હતી.

જણાવી દઈએ કે સુરતથી ભાવનગર જઈ રહેલી બસમાં શોર્ટસર્કિટ થી આગ લાગી હોવાનું હાલમાં માનવામાં આવી રહ્યું છે. આગ લાગતા જ બસની પાછળ એસી ના કોમ્પ્રેસરમાં બ્લાસ્ટ થયો હતો. બસ સ્લીપર કોચ હતી જેથી પાછળના ભાગે ડબલ બેડવાળી કેબીન હતી. જ્યાં ઉપરની કેબીનમાં એક મહિલા સહીત અન્ય ૨ લોકો બેઠા હતા.અચાનક જ લાગ લાગતા અન્ય લોકો બહાર નીકળી ગયા પણ મહિલા બહાર નીકળી શકી ન હતી.

પ્રાથમિક માહિતી મુજબ બસમાં મોબાઈલ ચાર્જીંગ યુનિટ માં શોર્ટસર્કીટ ના કારણે આગ લાગી હતી અને બાદમાં ગરમી વધતા જ નીચેના ભાગે એસીનું કમ્પ્રેસર ફાટ્યું હતું. મહત્વની વાત એ હતી કે બસમાં રહેલા બેડ/ગાદલા ના કારણે આગ ગણતરીની સેકન્ડમાં જ વિકરાળ બની ગઈ હતી.

બસના ડ્રાઈવરે કહ્યું કે હું બસ લઈને જઈ રહ્યો હતો ત્યારે જ મને એક રાહદારીએ કહ્યું કે તમારી બસમાં પાછળ ના ભાગે ધુમાડા નીકળે છે. આ સાંભળી મેં તરત જ બસ ઉભી રાખી હતી પણ હું પાછળ જોવા ગયો એટલામાં જ આગ વિકરાળ બની ગઈ હતી. આગ લાગતા જ આસપાસથી લોકો દોડી આવ્યા હતા અને મુસાફરો ફસાયા છે કે કેમ તે જોયું હતું. એટલામાં જ એક મહિલા સળગતી હાલતમાં બસની બારીમાંથી હાથ લંબાવતી જોવા મળી હતી. જો કે તે આગમાં લપેટાઈ ગઈ હતી અને બારી પર લટકતી હાલતમાં જ તે ભડથું થઇ ગઈ હતી.