બોરસદ તાલુકાના પ્રખ્યાત ઠક્કર ખમણ હાઉસના પરીવારની પુત્રવધુના મૃત્યુ કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. ઠક્કર ખમણ હાઉસના વેપારીના પુત્રએ દહેજ માટે થઈને પોતાની જ પત્નીની હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. ત્યારે આ મામલે યુવતીના ભાઈએ બોરસદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી હાથધરી છે.
તમને જણાવી દઈએ કે, ગત મંગળવારના રોજ બોરસદ ગ્રામ્ય પોલીસને ટેલિફોનિક મારફતે જાણ થઇ હતી કે, બોરસદના પ્રખ્યાત ઠક્કર ખમણ હાઉસના પરીવારની પુત્રવધુનું ન્હાવા જતી વખતે બાથરૂમમાં પડી જવાથી મોત થયું છે. જો કે, મૃતક યુવતીના સગા ભાઇ ધવલ ગંગદેવે તેની બહેનના મૃત્યુ અંગે શંકા વ્યક્ત કરતા મોક્ષા ઉર્ફે નિશાનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. ત્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે, મૃતક યુવતી મોક્ષા ઉર્ફે નિશાનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી છે.
પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે પોલીસે મૃતક યુવતીના સાસરિયાઓની પુછપરછ શરૂ કરી હતી. અને ચાર દિવસની પોલીસ તપાસ બાદ મૃતક યુવતીના પતિ અમિતે પોલીસ સમક્ષ કબૂલાત કરી કે તેણે પોતે જ તેની પત્નીનું ગળું દબાવીને હત્યા કરી હતી. સમગ્ર મામલે જીલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે, મૃતક યુવતીનો પતિ અમિત અવાર નવાર લખો રૂપિયા તેમજ સોનાના ઘરેણાંની માંગણી કરતો હતો. તેમજ સાસરિયા વાળા પણ યુવતીને સતત ત્રાસ આપ્યા કરતા હતા.
મંગળવારના રોજ પતિ અમિતે જ પોતાની પત્ની મોક્ષા ઉર્ફે નિશાનુ ગળું દબાવીને હત્યા કરી હતી. હાલ પોલીસે તમામ આરોપીઓની અટકાયત કરીને પુછપરછ હાથ ધરી છે. આ સિવાય એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે, યુવતીના મૃત્યુ બાદ કેટલાક સ્થાનિકોને બોલાવીને મોક્ષાનો શણગાર પણ કરવામાં આવ્યો હતો. અને તેના હોઠ પર લિપસ્ટિક પણ કરવામાં આવી હતી. અને હાલ યુવતીના હોઠ ભૂરા થઇ ગયા હોવાની વાત સામે આવી છે ત્યારે પોલીસે એ દિશામાં પણ વધુ તપાસ હાથ ધરી છે.