સુરત: 20 લાખ રૂપિયાના હીરાની ચોરી કરીને રત્નાકલાકાર થયો ફરાર
સુરત શહેરમાં ચોરીની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે વધુ એક ચોરીની ઘટના સામે આવી છે. જેને કારણે લોકો ચોંકી ઉઠ્યા હતા. ગણતરીના કલાકો પહેલા જ સુરતના કાપોદ્રા વિસ્તારની એક ડાયમંડ ફેક્ટરીમાં નવા નવા જ નોકરી લાગેલ એક રત્નકલાકારે હિરાની મોટી ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. રત્નકલાકાર 399 નંગ હિરાની ચોરી કરીને ફરાર થઈ ગયો હતો. જેની બજાર કિંમત આશરે 20 લાખ રૂપિયા છે.જો કે ચોરી કરીને ભાગતા રત્નકલાકાર કેમેરામાં કેદ થઇ જતા ચોરીનો ભેદ ઉકેલાઇ ગયો હતો.
ઉલ્લેખનીય છે કે, સુરત શહેરમાં ચોરીની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે વધુ એક ચોરીનો બનાવ સામે આવતા પોલીસ પણ ચિંતામાં પડી ગઈ હતી. સુરત શહેરનાં ઘોડદોડ રોડ પાસે વસવાટ કરતા ધર્મેશ વલ્લભ ભડિયાદરા કાપોદ્રાના ક્રિષ્ણા પાર્કમાં રીઝા જેમ્સ એલ.એલ.પીમાં ભાગીદારીમાં પેઢી ધરાવે છે. નિકુંજ સિદ્ધપુરા નામનો વ્યક્તિ આ કારખાનામાં મેનેજર છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, પ્રદીપ નામના એક રત્નકલાકારને ટેલીગ્રામ એપ્લિકેશન પર ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત નામના એક ગ્રુપમાંથી મેનેજર નિકુંજનો ફોન નંબર મળ્યો હતો. અને ત્યારબાદ પ્રદીપે મેનેજર નિકુંજને સંપર્ક કરીને નોકરી અંગે વાતચીત કરી હતી. જેથી નિકુંજે 24 જાન્યુઆરીના રોજ પ્રદીપને કારખાના પર મળવા માટે બોલાવ્યો હતો. નિકુંજે પગાર નક્કી કરતા પહેલા પ્રદીપનું કામ જોવા માટે 400 નંગ હીરા આપ્યા હતા.
તમને જણાવી દઈએ કે, પ્રદીપ પાસે રાત્રે 400 નંગ હીરા હતા. ત્યારે પ્રદીપ ગણતરીના સમયમાંજ વોશરૂમ જવાનું બહાનું કરીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. પ્રદીપ 399 નંગ હીરા લઇને કારખાનામાંથી ફરાર થઇ ગયો હતો. આ તમામ હીરાની કિંમત લગભગ 20 લાખ રૂપિયાની આસપાસ થાય છે. નોંધનીય છે કે, હાલ સમગ્ર મામલે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આરોપી પ્રદીપ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેને આધારે પોલીસે આરોપી પ્રદીપને ઝડપી લેવા માટે હાલ ચક્રોગતિમાન કર્યા છે.