અમરેલી: જવાહર નવોદય વિદ્યાલયમાં 9માં ધોરણના 2 વિદ્યાર્થીઓ પાસે કરાવ્યું આવું કામ
આપણા દેશમાં રેગીંગ એ ગેરકાયદેસર છે. તેમ છતાં ઘણી શાળા કોલેજોમાં સિનિયર વિદ્યાર્થીઓ જુનિયર વિદ્યાર્થીઓ સાથે મજાક મસ્તી કરી લેતા હોય છે. પરંતુ હજુ પણ કેટલીક જગ્યાએ રેગીંગ એ હદે થતું હોય છે કે તેની કોઈ હદ હોતી નથી. અમરેલીની જવાહર નવોદય વિદ્યાલયમાં આવી જ એક ઘટના સામે આવી છે. જ્યા 11માં ધોરણમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓએ 9માં ધોરણમાં ભણતા વિદ્યાર્થી પાસે કપડાં ધોવડાવ્યા અને એને ખૂબ માર પણ માર્યો હોવાની ઘટના સામે આવી છે.
વિદ્યાર્થીનો આરોપ છે કે 11 માં ધોરણના બે વિદ્યાર્થોએ તેની પાસે પાંચ દિવસ સુધી કપડાં ધોવડાવ્યા અને તેને માર પણ માર્યો હતો. અને બાદમાં આ વિદ્યાર્થી શાળામાંથી ભાગીને ઘરે જતો રહ્યો હતો. ત્યારબાદ તેને તેના માતા-પિતાને સમગ્ર વાતની જાણ કરતા તેમને હાલ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી અનુસાર, અમરેલી જિલ્લામાં આવેલ જવાહર નવોદય વિદ્યાલયમાં કુલ 700 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.ત્યારે આ થોડા દિવસ પહેલા શાળામાં 11મા ધોરણમાં અભ્યાસ કરતા અમુક વિદ્યાર્થીઓએ તેમનાથી જુનિયર વિદ્યાર્થી જોડે પથારી ઉપર કચરો નાખવાની બાબતે બોલાચાલી કરી હતી. આ ઉપરાંત તે લોકોએ પાંચ દિવસ સુધી બળજબરીપૂર્વક પોતાના કપડાં તે જુનિયર વિદ્યાર્થી પાસેથી પણ ધોવડાવ્યા હતા.
ચાર દિવસ અગાઉ કપડા ધોવાની આ વિદ્યાર્થીએ ના પાડતા બે વિદ્યાર્થીઓએ આ જુનિયર વિદ્યાર્થીને બેલ્ટથી ખૂબ માર્યો હતો. ત્યારે આ વિદ્યાર્થી શાળામાંથી ભાગીને તેના ઘરે જતો રહ્યો હતો. જો કે આ વાતની જાણ છાત્રાલયને નહોતી. બાદમાં વિદ્યાર્થીએ આ બાબત અંગે તેના માતા-પિતાને જાણ કરતા આ સમગ્ર મામલો સામે આવ્યો છે.
આ સમગ્ર મામલે શાળાના પ્રિન્સીપાલ વિજયકુમારે જણાવ્યું હતું કે, લોકડાઉન પછી બાળકો શાળામાં આવ્યા છે. હજુ બાળકો શાળામાં એડજસ્ટ થાય છે ત્યારે આ બાબત બની છે. મેં તરત જ આ બાબતે પેરેન્ટ્સના નિવાસસ્થાને જઈને પૂછપરછ કરી છે. અને આરોપી વિદ્યાર્થીઓને શાળામાંથી સસ્પેન્ડ કર્યાં છે. આવી ઘટના ક્યારેય બનવી ન જોઈએ. પ્રિન્સિપાલે તેમના તેમના સ્ટાફનો બચાવ કરતા કહ્યું કે,આ ઘટનામાં કદાચ પર ભોગ બનનાર જુનિયર વિદ્યાર્થીની ભૂલ પણ હોઈ શકે છે.
હાલ આ મામલે ઈન્ક્વાયરી કરી રહ્યા છીએ અને બાદમાં તેનો રિપોર્ટ પણ બનશે.તમને જણાવી દઈએ કે, હાલ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. તેમજ આ મામલે શાળાના સ્ટાફની પણ ઇન્કવાઇરી કરવામાં આવી રહી છે. ત્યારે આ મામલે જે હશે તે સત્ય રિપોર્ટમાં બહાર આવજ જશે.