કોંગ્રેસના પૂર્વ દિગ્ગજ નેતા જયરાજસિંહ પરમાર આજ રોજ ભાજપમાં જોડાવના છે. જયરાજસિંહ પરમારે ભાજપમાં જોડાવા અંગે સોશિયલ મીડિયામાં ટ્વિટ કરીને જાણકારી આપી હતી. ત્યારે ગુજરાત NSUI તેમજ યુથ કોંગ્રેસમાં જયરાજસિંહ પરમારના રાજીનામાં બાદ ભૂકંપ આવી ગચો છે. અને આ બંને સંગઠનોમાં એક પછી એક રાજીનામાનો દોર ચાલુ થઇ ગયો છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત કોંગ્રેસના દિગગજ નેતા જયરાજસિંહ પરમાર કોંગ્રેસમાંથી રાજીનામુ આપીને તેમના સમર્થકોને સાથે લઈને તેઓ પણ હવે ભાજપમાં જોડાવા જઇ રહ્યા છે. જયરાજસિંહ પરમારે આ બાબતની જાણકારી આપતા જણાવ્યુ હતું કે, તેઓ તેમના કુળદેવી અને તેમના ગુરુના આશીર્વાદ લઈને 22 ફેબ્રુઆરી 2022ના રોજ ગાંધીનગર કમલમ ખાતે ભાજપનો ભગવો ધારણ કરીને વિધિવત રીતે ભાજપમાં જોડાવાના છે. ત્યારે હવે ગુજરાત NSUI તેમજ યુથ કોંગ્રેસમાંથી જયરાજસિંહ પરમારના સમર્થનમાં 150 જેટલા હોદેદારો રાજીનામાં આપીને ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરવા માટે તૈયાર થયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, જયરાજસિંહ પરમારના સમર્થનમાં ગુજરાત NSUI તેમજ યુથ કોંગ્રેસમાંથી ગુજરાત યુનિવર્સીટીના પૂર્વ સેનેટ સભ્ય જયેશ દેસાઈ, ઘાટલોડિયા વિધાનસભા યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ સાહિલ જોશી, અમદાવાદ યુથ કોંગ્રેસના મહામંત્રી શક્તિરાજસિંહ ચૌહાણ, બોપલ યુથ કોંગ્રેસના મહામંત્રી સુરજ રાજપૂત આ બધા જ હોદ્દેદારો સહિત અન્ય 150 જેટલા હોદ્દેદારો ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરશે.
નોંધનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના મોટા નેતાઓ ભાજપ તરફ પલાયન કરી રહ્યા છે. ત્યારે આ મોટા નેતાઓના સાથ વગર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સત્તાધારી ભાજપનો સામનો આગામી વિધાનસભાની ચૂંટણીમાં કઇ રીતે કરે છે તે તો જોવું જ રહ્યું.