IndiaNewsSport

ગંભીર અકસ્માત બાદ સર્જરી થઈ: Rishabh Pant એ પહેલો ફોટો શેર કર્યો, જાણો હવે ક્રિકેટ રમી શકશે કે નહિ

ભારતીય ક્રિકેટ ટીમના વિકેટ કીપર,બેટ્સમેન ઋષભ પંત ( Rishabh Pant) હાલમાં ક્રિકેટથી દૂર છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં એક કાર અકસ્માતમાં પંત ગંભીર રીતે ઘાયલ થયો હતો. તે દર્દનાક અકસ્માત પછી, પંતને પ્રથમ દહેરાદૂનની મેક્સ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. ત્યારબાદ તેને મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ગયા મહિને કોકિલાબેન હોસ્પિટલમાં પંતની સર્જરી કરવામાં આવી હતી.

હવે રિષભ પંતે ટ્વિટર પર બે તસવીરો શેર કરી છે. શેર કરેલી આ બે તસવીરોમાં ઋષભ પંત ક્રેચના સહારે ચાલતો જોવા મળી રહ્યો છે. પંતના પગમાં પ્લાસ્ટર દેખાય છે. રિષભ પંતે આ તસવીરોના કેપ્શનમાં લખ્યું છે કે, ‘એક પગલું આગળ, એક પગલું મજબૂત અને એક પગલું સારું.

ઋષભ પંત સાથે માર્ગ અકસ્માત ત્યારે થયો જ્યારે તે પોતાની માતાને મળવા મર્સિડીઝ કાર ચલાવીને રૂરકી જઈ રહ્યો હતો. પંતની કાર દિલ્હી-દેહરાદૂન હાઈવે પર રોડ ડિવાઈડર સાથે અથડાઈ હતી, ત્યારબાદ તેમાં આગ લાગી હતી. આ પછી ઋષભ પંત કોઈ રીતે કારમાંથી બહાર નીકળવામાં સફળ રહ્યો હતો.

અત્યારે એ સ્પષ્ટ નથી કે રિષભ પંત ક્યારે મેદાનમાં પરત ફરશે. પરંતુ ઈજાના કારણે પંત આ વર્ષના મોટા ભાગના મહિનાઓ સુધી ક્રિકેટથી દૂર રહે તેવી શક્યતા છે. પંત આ વર્ષે શ્રીલંકા અને ન્યુઝીલેન્ડ સામેની હોમ સીરીઝમાંથી બહાર હતો. તેમજ બોર્ડર ગાવસ્કર ટ્રોફી માટે ટીમમાં તેની પસંદગી કરવામાં આવી નથી. પંતના આઈપીએલ અને એશિયા કપમાંથી પણ બહાર થવાની સંભાવના છે. હવે જોવાનું રહેશે કે રિષભ પંત ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનાર ODI વર્લ્ડ કપ માટે ફિટ છે કે નહીં.

રિષભ પંત IPLમાં દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન છે. આવી સ્થિતિમાં જો પંત આઉટ થાય છે તો દિલ્હી કેપિટલ્સે આગામી સિઝનમાં કેપ્ટનની શોધ કરવી પડશે. ડેવિડ વોર્નર કેપ્ટનશિપની રેસમાં સૌથી આગળ હોવાનું કહેવાય છે. દિલ્હી કેપિટલ્સના કોચ રિકી પોન્ટિંગે રિષભ પંતને લઈને એક રસપ્રદ નિવેદન આપ્યું છે. પોન્ટિંગે કહ્યું હતું કે જો પંત IPLમાંથી બહાર હોવા છતાં દિલ્હી કેપિટલ્સના ડગઆઉટમાં રહેશે તો તે ખૂબ જ ખુશ થશે.