ગણદેવીમાં અર્ધનગ્ન હાલતમાં મળી આવી પરિણીતાની લાશ, જાણો શુ છે સમગ્ર મામલો?
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના દુવાડા નામના ગામે આવેલ શ્રીરામ ક્વોરીની સામેની ખુલ્લી જગ્યામાંથી આજ સવારના સમયે ગામની જ એક પરિણીતાનો ઓંઢણીથી ગળે ટુંપો આપી હત્યા કરીને ફેંકી દેવાયેલી અર્ધ નગ્ન હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. હત્યારાઓએ બોથડ પદાર્થથી આ મહિલાના માથાના ભાગમાં હુમલો કરી તેનો ચહેરો બગાડવાનો પ્રયાસ પણ કર્યો હતો. ઘટનાને પગલે ગણદેવી પોલીસ તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ તાત્કાલિક અસરથી ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. અને આ ઘટનાને અંજામ આપનાર હત્યારાઓને શોધી કાઢવા માટે કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના દુવાડા નામના ગામે વડ ફળિયામાં વસવાટ કરતી 29 વર્ષની ઉંમરની હીના ઉર્ફે હેતલ અર્જુન નાયકા ગત રોજ સવારના સમયે તેના પિયર કછોલી નામના ગામે ગઈ હતી. ત્યાંથી સાંજના 4 વાગ્યાના સમયની આસપાસ તે દુવાડા પરત આવવા નીકળી હતી. જો કે, હીના તેના ઘરે પહોંચી ન હતી અને આજરોજ સવારના સમયે ગામની શ્રી રામ ક્વોરી સામેની બાજુ આવેલી ચીમન પટેલના નામના વ્યક્તિના ખેતરની ખુલ્લી જગ્યામાંથી અર્ધનગ્ન હાલતમાં તેની હત્યા કરાયેલો અર્ધનગ્ન હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. કવોરી પાસે જ વસવાટ કરતા હીનાના સગાઓએ આ મામલે અર્જુન અને ગામના આગેવાનોને જાણ કરી હતી.
નોંધનીય છે કે, આ ઘટનાને પગલે ગણદેવી પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક અસરથી ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા. અને હીનાની લાશને FSL રિપોર્ટ માટે ખસેડી હતી. તો પોલીસે હાલ તો આ મામલે હત્યારાઓને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, હિના કછોલી ગામે વસવાટ કરતા તેના પતિ ધર્મેશ હળપતિને છોડીને છેલ્લા 4 વર્ષથી વહાણમાં મચ્છીમારી કરવા જતા અને દુવાડા ગામે વસવાટ કરતા અર્જુન નાયકા સાથે લિવ ઈન રિલેશનમાં રહેતી હતી. જેમાં બે વર્ષ પહેલાં હીનાના પતિ ધર્મેશનું કોરોના કાળમાં મૃત્યુ થયુ હતું. ધર્મેશથી હીનાને 8 વર્ષનો એક દીકરો અને અર્જુંનથી 3 વર્ષનો એક દીકરો છે. ગામમાં એવી ચર્ચા છે કે હીનાને દેશી દારૂ પીવાની આદત હતી. જેથી કદાચ એવું બન્યું હોય કે ગત રોજ સાંજના સમયે હીના દારૂના નશામાં હોય અને એને કોઇએ તેને રોકીને તેની સાથે જબરજસ્તી કરવાના પ્રયાસમાં હીનાની હત્યા કરી હોય. તમને જણાવી દઈએ કે, હાલ તો પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.