AhmedabadGujarat

ગુજરાતમાં આગામી ચાર દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં જિલ્લામાં ક્યારે પડશે વરસાદ?

હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી 4 દિવસ માટે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. અમદાવાદ ખાતેના હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, 6 થી 9 જુલાઈ સુધી ગુજરાતમાં કયા વિસ્તારોમાં ભારે કે સામાન્ય વરસાદ વરસશે તેને લઈને આગાહી કરી છે. રાજ્યમાં છેલ્લા બે દિવસથી ફરી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં ભારે તો ક્યાંક હળવો વરસાદ વરસી રહ્યો છે. આગામી દિવસોમાં ધોધમાર વરસાદ વરસે તેવા સંકેતો હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યા છે. રવિવાર સુધીમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ જોવા મળી છે.

હવામાન વિભાગ દ્વારા 6 જુલાઈના રોજ જામનગર, ગીર સોમનાથ, અમરેલી, વડોદરા, છોટા ઉદેપુર, સુરત, નવસારી અને ડાંગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે શુક્રવારના રોજ એટલે 7 જુલાઈના અમરેલી, ભાવનગર અને આણંદમાં વરસાદી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે સુરેન્દ્રનગર, બોટાદ, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તેની સાથે રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમદાવાદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ માં યેલો એલર્ટ  જાહેર કરાયું છે.

આ સિવાય 8 જુલાઈના કચ્છ અને જામનગર માં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. અત્યંત ભારે થી પણ વધુ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેની સાથે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, દ્વારકા અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ અને દમણ માં પણ યેલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે. 9 જુલાઈ માટે કચ્છ, દ્વારકા, જામનગર, મોરબી, નવસારી, વલસાડ અને દમણમાં પણ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.