રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, એક સાથે 75 તાલુકામાં વરસાદ નોંધાયો, અનેક રસ્તાઓ થયા બંધ
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, એક સાથે 75 તાલુકામાં વરસાદ નોંધાયો, અનેક રસ્તાઓ થયા બંધ
રાજ્યમાં આજ સવારથી જ અનેક તાલુકાઓમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. રાજ્યના 75 જેટલા તાલુકામાં આજ સવારે 6 વાગ્યાથી જ સતત વરસાદ પડી રહ્યો છે, જેમાં છેલ્લા ચાર કલાકમાં નવસારી જિલ્લામાં 13 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે એક ઇંચ કરતા વધુ વરસાદ 11 જેટલા તાલુકામાં નોંધાયો છે. તો સતત ત્રણ દિવસથી જૂનાગઢ જિલ્લામાં મેઘરાજા બેટિંગ કરી રહ્યા છે. જેને કારણે જૂનાગઢમાં તો જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહીને પગલે આજ રોજ નવસારી, ભાવનગર તેમજ વલસાડમાં રેડએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, 12 વાગ્યા સુધીમાં 13 ઇંચ જેટલો વરસાદ નવસારીમાં વરસ્યો છે ત્યારે સમગ્ર નવસારીમાં હાલ જળબંબાકાર જેવી સ્થિતિ છે અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ જોરદાર વરસાદ પડવાને કારણે ત્યાં પણ પાણી ભરાઈ ગયા છે. વધારે પાણી ભરાઈ જવાના કારણે સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં ખૂબ પાણી ભરાઈ જતા તમામ ખેતરો બેટમાં ફેરવાયાં છે. નવસારીમાં સ્ટેશનની દાંડી બાજુ જવાનો રસ્તો બંધ થઇ ગયો છે. તો નવસારી શહેર ખાતે આવેલ શાંતાદેવી વિસ્તારમાં એક દીવાલ ધસી પડવાના કારણે 2 કાર દબાઈ ગઈ છે.
નોંધનીય છે કે, ધોધમાર વરસાદને લરને ખેરગામની ઔરંગા નદી ખાતે આવેલા અનેક લો લેવલ બ્રિજ પણ પાણીમાં ગરકાવ થયા છે. તો ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન તેમજ સૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજી ડેમ પણ શુક્રવારના રોજ રાત્રીના સમયે ઓવરફ્લો થઇ જતા એક ફૂટ સુધી 20 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે,જો કે, પાણીની આવક જે પ્રમાણે થઈ રહી છે તેને ધ્યાને રાખીને ડેમની આસપાસ આવેલા નીચાણવાળાં 17 જેટલા ગામને એલર્ટ આપવામાં આવ્યું છે. બીજી બાજુ જામનગર જિલ્લામાં પણ વહેલી સવારથી ધોધમાર વરસાદને કારણે શહેરના મુખ્યમાર્ગો બંધ થઈ ગયા છે. તો નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.
આમ ગુજરાતમાં ધોધમાર વરસાદને પગલે હાલ તો સૌરાષ્ટ્,કચ્છ અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં જ્યાં જુઓ ત્યાં પાણી પાણી જ જોવા મળી રહ્યું છે. અને જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યના અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.