GujaratSouth GujaratValsad

વલસાડ : કારમાં વિદેશી દારૂની ૨૨૮ બોટલોની હેરાફેરી કરતો પોલીસ જવાન ભાઈ સાથે ઝડપાયો

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂ જાણે ખુલ્લેઆમ મળી રહ્યો હોય તેવું જોવા મળતું હોય છે. એવામાં આજે વલસાડ જિલ્લાના નાના પોંડરા એવા જ સમાચાર સામે આવ્યા છે. પોંડરા પોલીસ સ્ટેશનનો પોલીસકર્મી વિદેશી દારૂની હેરાફેરી કરતા વાસદ પોલીસના હાથે ઝડપાયો છે. નેશનલ હાઈવે નં. ૪૮ ઉપર આવેલા આણંદ જિલ્લાના વાસદ ટોલનાકા પાસેથી મંગળવારની મધ્યરાત્રિના એક પોલીસકર્મી તથા તેનો ભાઈ એક કારમાં વિદેશી દારૂની ૨૨૮ નંગ બોટલો સાથે વાસદ પોલીસના હાથે ઝડપાઈ હતો. એવામાં આ સમાચારથી પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બની ગયો છે.

તમને જણાવી દઈએ કે, વાસદ પોલીસની ટીમ મંગળવારના રોજ નાઈટ પેટ્રોલિંગમાં રહેલી હતી. આ દરમિયાન નેશનલ હાઈવે નં. ૪૮ પર આવેલા વાસદ ટોલનાકા નજીકથી મધ્ય રાત્રિના એક સફેદ કલરની સ્વીફટ ડિઝાયર કાર વડોદરા તરફથી આવતા પોલીસને શંકા જતા તેને અટકાવવામાં આવી હતી.

પોલીસ દ્વારા કારચાલકને દરવાજાનો કાચ ઉતારવા કહેતા અંદરથી પુષ્કળ પ્રમાણમાં વિદેશી દારૂની વાસ આવતા પોલીસ દ્વારા કારની શોધ કરવામાં આવી હતી. જેમાં કારની પાછળની સીટ અને ડીકીમાંથી વિદેશી દારૂનો જથ્થો પ્રાપ્ત થયો હતો. પોલીસ દ્વારા કારમાંથી કુલ-૨૨૮ નંગ વિદેશી દારૂની બોટલો જપ્ત કરવામાં આવી હતી. પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલ દારૂની કિંમત અંદાજિત રૂા. ૧,૭૭,૩૦૦ જેટલી થાય છે. પોલીસ દ્વારા કાર ચાલકના નામઠામ અંગે પૂછતા તે સંજયભાઈ ધીરજલાલ ચાવડા અને પાછળ બેઠેલો શખ્સ સુધિરકુમાર ધીરજલાલ ચાવડા હોવાનું સામે આવ્યું હતું અને બંને સગા ભાઈ હોવાનું પણ સામે આવ્યું છે.

તેમ છતાં કાર ચાલકની વધુ પૂછપરછ કરવામાં આવતા સંજયભાઈ ચાવડા વલસાડ જિલ્લાના પારડીના રહેવાસી અને નાના પોંડરા પોલીસ સ્ટેશનમાં પોલીસકર્મી તરીકે ફરજ બજાવતા હોવાનું સામે આવ્યું છે. તેના લીધે પોલીસ દ્વારા બંને ભાઈઓની સખ્તાઈથી પૂછપરછ કરવામાં આવી તો આ વિદેશી દારૂનો જથ્થો વેચાણ કરવાના ઈરાદે વલસાડના મોતીવાડાના નરેશભાઈ રામુભાઈ કોળીપટેલ પાસેથી લઈને આવ્યા હોવાની કબૂલાત કરવામાં આવી હતી. આ મામલામાં વાસદ પોલીસ દ્વારા નાના પોંડરા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારી સંજય ચાવડા, તેનો ભાઈ સુધીર ચાવડા અને દારૂ વેચાણ માટે આપનારા નરેશ કોળી પટેલ વિરુધ્ધ પ્રોહીબીશનનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરુ કરી છે.