SaurashtraGujaratRajkot

ક્ષત્રિય વિવાદ વચ્ચે પણ રૂપાલાને કોઈ ડર નથી : રાજકોટમાં ખુલ્લી જીપમાં બેટ બતાવીને ઈશારો કર્યો

રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા રાજપૂત સમાજને લઈને કરવામાં આવેલ વિવાદિત નિવેદન બાદ તેમનો રાજપૂત સમાજ દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેની સાથે રાજકોટમાં લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાનો પ્રચાર જોરશોરથી કરવામાં આવી રહ્યો છે. જ્યારે બીજી તરફ ક્ષત્રિય સમાજ દ્વારા મહાસંમેલન અને વિરોધ પ્રદર્શન સતત કરવામાં આવી રહ્યું છે. એવામાં આજે પુરુષોત્તમ રૂપાલા દ્વારા રાજકોટમાં ગંગેશ્વર મહાદેવ તેમજ હનુમાનમઢી ચોક પાસેના હનુમાનજીના મંદિરે દર્શન કરી પોતાના ચૂંટણીપ્રચારનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

તેની સાથે પુરુષોત્તમ રૂપાલા દ્વારા પદયાત્રાને બદલે ખુલ્લી જીપમાં પોતાનો પ્રચાર શરુ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન તેમના સ્વાગત માટે આવેલા ક્રિકેટ એકેડેમીના વિદ્યાર્થીઓનું બેટ પકડી લડી લેવાનો ઇશારો કરવામાં આવ્યો હતો. તેમ છતાં તેમના દ્વારા આ ચૂંટણી પ્રચાર દરમિયાન રૈયા રોડ ઉપર એક તરફનો રસ્તો બંધ કરવામાં આવતા ટ્રાફિકજામ થઈ ગયો હતો.

તમને જણાવી દઈએ કે, રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા સામેનો ક્ષત્રિય સમાજ દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. એક દિવસ અગાઉ 150 ફૂટ રિંગ રોડ ઉપર પુરુષોત્તમ રૂપાલાની સભા પહેલા વિરોધ પ્રદર્શન કરવામાં આવતા પદ્મિનીબા વાળા સહિતના મહિલાઓની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી હતી. એવામાં ગઈ કાલ સાંજના ત્રંબામાં ભાજપની સભા દરમિયાન ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા રૂપાલા હાય હાયના નારા પણ લગાવ્યા હતા અને ખુરસીઓ ઉછાળવામાં આવી હતી. જ્યારે આજે સવારના રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલા દ્વારા ગંગેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરી પોતાના ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ રૈયા રોડ ઉપર આવેલા હનુમાન મઢી ચોક પાસેના હનુમાનજીના મંદિરમાં પુરુષોત્તમ રૂપાલાએ શીશ ઝુકાવી ખુલ્લી જીપમાં પ્રચાર શરુ કર્યો હતો.

તેની સાથે હનુમાન મઢી ચોકથી ખુલ્લી જીપમાં રૂપાલાની સાથે રાજ્ય સભાના સાંસદ રામ મોકરિયા, લોકસભાના પૂર્વ સાંસદ મોહન કુંડારિયા, ધારાસભ્ય દર્શિતાબેન શાહ અને શહેર ભાજપ-પ્રમુખ મુકેશ દોશી સહિતનાઓ સાથે રહેલા હતાં. પુરુષોત્તમ રૂપાલાનું દીકરીઓ દ્વારા કંકુ-ચોખા કરી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યારે વેપારીઓ પુરુષોત્તમ રૂપાલાને હાર પહેરાવી આવકારવામાં આવ્યા હતા. આ તક પર શહેરના રેસકોર્સ મેદાનમાં ક્રિકેટ એકેડેમી ચલાવનાર કૌશિક અઢિયા ભાજપનો ખેસ પહેરી ચૂંટણીપ્રચારમાં જોડાઈ ગયા હતા. જ્યારે બીજી તરફ ક્રિકેટની તાલીમ લેતા ખેલાડીઓ દ્વારા પણ ભાજપનો ભગવો ખેસ ધારણ કરવામાં આવ્યો હતો. આ તક પર ખેલાડીઓ બેટ લઈને પુરુષોત્તમ રૂપાલાને આવકારવા પહોંચ્યા હતા. તેના લીધે પુરુષોત્તમ રૂપાલા દ્વારા પણ હાથમાં બેટ લેવામાં આવ્યું હતું. તેમ છતાં તેમનો આ ઈશારો કોના તરફ રહેલો હતો તે ભગવાન જાણે છે.