SaurashtraGujaratRajkot

પુરુષોત્તમ રૂપાલાનો વિવાદ યથાવત : ક્ષત્રિય સમાજના યુવકોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કાફલાને અટકાવવાનો કર્યો નિષ્ફળ પ્રયાસ

રાજકોટ ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજ દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. એવામાં વડોદરામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જાહેર સભા પૂર્ણ થયા બાદ તેમના કાફલાને અટકાવવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. ક્ષત્રિય સમાજના યુવકો દ્વારા વિરોધ કરવા જતા પોલીસ દ્વારા આઠથી દશ યુવકોની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જ્યારે બીજી તરફ મુખ્યમંત્રીની સભા અગાઉ શહેરના વિવિધ વિસ્તારમાં રહેનાર ક્ષત્રિય આગેવાનોના નિવાસસ્થાન પર પોલીસ મુકી નજરકેદ કરી દેવામાં આવ્યા છે.

તમને જણાવી દઈએ કે, ક્ષત્રિય સમાજ દ્રારા રાજકોટના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ હજુ જોરશોરથી કરવામાં આવી રહ્યો છે. માંજલપુર અને લક્ષ્મીપુરા વિસ્તારમાં ભાજપને પ્રવેશબંધીના બેનરો લગાવવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીની જાહેર સભા રખાઈ હતી. તે પહેલા સવારથી ક્ષત્રિય સમાજના કેટલીક મહિલા અને પુરૂષ આગેવાનો દ્વારા તેમજ કોંગ્રેસના કેટલાક આગેવાનોને નજર કેદ કરી દેવામાં આવ્યા હતા.

તેની સાથે પોલીસ દ્વારા સાંજ સુધીમાં ૩૦ યુવાનોની અટકાયત કરવામાં આવી હતી. જ્યારે સાંજે મુખ્યમંત્રીની સભા સુભાનપુરા ઝાંસી કી રાણી મેદાન પર પૂર્ણ થઈ તે સમયે ક્ષત્રિય સમાજના કેટલાક યુવાનો દ્વારા સૂત્રોચ્ચાર કરી વિરોધ કરવાનો પ્રયત્ન કરવામાં આવતા પોલીસ દ્વારા તેઓની અટકાયત કરવામાં આવી હતી.