દૂધ ઉત્પાદકો માટે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. આ દૂધ ઉત્પાદક સંઘે દૂધ ઉત્પાદકોને તહેવારો પહેલા ભાવવધારો ચૂકવવાનું જણાવ્યું છે. આ સમાચાર રાજકોટ દૂધ ઉત્પાદકો સાથે જોડાયેલા છે. જેમાં રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘે જન્માષ્ટમી પહેલા દૂધ ઉત્પાદકોને ભાવવધારો ચૂકવવાનું જણાવ્યું છે.
નોંઘનીય છે કે રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘને ચાલુ નાણાકીય વર્ષ 2023 – 24માં 39 કરોડ રૂપિયાથી પણ વધારે નફો થયો હોવાનું સામે આવ્યું છે. ત્યારે જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ દ્વારા નફામાંથી 21.97 કરોડ રૂપિયા એટલે કે લગભગ 22 કરોડ રૂપિયા જેટલી રકમ ભાવવધારા તરીકે દૂધ ઉત્પાદકોના એકાઉન્ટમાં જમા કરવાનું ચાલુ કરી દેવામાં આવ્યું છે. જેમાં હાલના નફા પ્રમાણે પ્રતિ કિલો ફેટ લેખે 25 રૂપિયા દૂધ ઉત્પાદકોના એકાઉન્ટમાં નાખવામાં આવશે.
જો આ ભાવ વધારા અંતર્ગત મંગળવાર સુધીમાં સાડા પાંચ કરોડ રૂપિયા દૂધ ઉત્પાદકોના એકાઉન્ટમાં ઓનલાઈન જમા કરી દેવામાં આવ્યા હોવાનું પણ જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત અન્ય બાકીની રકમ પણ દૂધ ઉત્પાદક સંઘ દ્વારા દૂધ ઉત્પાદકોના એકાઉન્ટમાં જમા કરવામાં આવી રહ્યા છે. જો કે આ અંતર્ગત રાજકોટ દૂધ ઉત્પાદક સંઘ સાથે જોડાયેલી 202 દૂધ મંડળીઓના 18054 જેટલા દૂધ ઉત્પાદકોના બેન્ક એકાઉન્ટમાં ભાવવધારાની રકમ જમા કરવામાં આવી રહી છે.