GujaratRajkotSaurashtra

માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો, રમતા રમતા ટાંકીમાં પડી જતા ત્રણ વર્ષના બાળકનું મોત

રાજકોટ જિલ્લાના પારડી ગામે એક કરૂણ ઘટના સામે આવી છે, જેમાં માવતરના ઘરે રહેલી ચોટીલાની પરિણીતાનો ત્રણ વર્ષનો માસૂમ પુત્ર ઘર સામે રમતા રમતા ખુલ્લા ભોંયટાંકામાં પડી જતાં ડૂબી જવાથી તેનું દુઃખદ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે પરિવાર સહિત સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

મળતી માહિતી મુજબ, ચોટીલાના ભેટસુડા ગામની રહેવાસી શિલ્પાબેન પ્રભાતભાઈ પરમાર પતિ સાથે મનદુઃખ થતાં પોતાના ત્રણ વર્ષના પુત્ર આયુષને લઈને રાજકોટ નજીકના શાપર વિસ્તારમાં આવેલા પારડી ગામે પિતા કેશુભાઈ રામજીભાઈ ચાવડાના ઘરે રહેવા આવી હતી. ગઈકાલે આયુષ ઘર સામે આવેલા ખુલ્લા પ્લોટમાં રમતો હતો. આ દરમિયાન રમતા રમતા તે ખુલ્લા પડેલા ભોંયટાંકામાં પડી ગયો હોવાનું સામે આવ્યું છે.

થોડો સમય પસાર થયા બાદ માતા શિલ્પાબેન પુત્રને બોલાવવા માટે બહાર આવી હતી, પરંતુ આયુષ ક્યાંય નજરે ન પડતાં તેમણે આસપાસ શોધખોળ શરૂ કરી હતી. શોધ દરમિયાન ખુલ્લા ટાંકામાં નજર કરતાં બાળક પાણીમાં ગરકાવ હાલતમાં દેખાતા માતાએ બૂમાબૂમ કરી હતી.

બુમાબૂમ સાંભળીને પરિવારજનો અને આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને બાળકને ટાંકામાંથી બહાર કાઢી પ્રથમ લોધીકા અને ત્યારબાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. જોકે, હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણ હોસ્પિટલ ચોકી મારફતે શાપર પોલીસને કરવામાં આવતા પોલીસ ટીમ હોસ્પિટલ પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.